તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
વિધાનસભા ચૂંટણીમાં યુવાનોને મળશે તકઃ જૂના ચહેરાઓ રિપિટ નહીં : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ
રાહુલ ગાંધીએ અગાઉ પક્ષની ખામીઓ સ્વીકારતા જેમને ‘લંગડા ઘોડા' કહ્યા હતા, તેવા નિષ્ક્રિય નેતાઓ હવે ઘરભેગા થશે અને નવા યુવા ચહેરાઓને ચૂંટણીમાં તક આપવામાં આવશે

નવી દિલ્હી,તા.૨૧: ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પક્ષમાં શિસ્ત જાળવી રાખવા માટે કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ જૂના ચહેરાઓને હવે રિપિટ નહીં કરવાનો આકરો નિર્ણય પક્ષનું હાઈકમાન્ડ લઈ શકે છે તેમ આડકતરી રીતે કહ્યું હતું. રાહુલ ગાંધીએ અગાઉ પક્ષની ખામીઓ સ્વીકારતા જેમને 'લંગડા ઘોડા' કહ્યા હતા, તેવા નિષ્ક્રિય નેતાઓ હવે ઘરભેગા થશે અને નવા યુવા ચહેરાઓને ચૂંટણીમાં તક આપવામાં આવશે. બેઠક દરમિયાન સુરજેવાલાએ નેતાઓ અને હોદ્દેદારોને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ હોવાના નામે કોઈને પણ મનમાની કરવાનો પરવાનો મળતો નથી. તેમણે કર્ણાટકનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, સંગઠન અને શિસ્તની સર્વોપરિતા સાબિત થાય તે માટે ત્યાં ૯ વખત ધારાસભ્ય રહી ચૂકેલા દિગ્ગજ નેતાની પણ ટિકિટ કાપવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે નેતાઓને આંતરિક ખેંચતાણ બંધ કરવાની તાકીદ પણ કરી હતી.
પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો અને નેતાઓએ પ્રભારી સમક્ષ સમસ્યાઓની લાંબી યાદી રજૂ કરી હતી. જેના જવાબમાં સુરજેવાલાએ માત્ર સમસ્યાઓ ગણાવવાને બદલે તેનો ઉકેલ અને સમાધાનનો રસ્તો પણ સાથે લઈને આવવા અને તેના પર ચર્ચા કરવા ભાર મૂક્યો હતો.
અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સિનિયર નેતાઓના માનીતા લોકોને ટિકિટ અપાતા પક્ષને ધારી સફળતા મળી નહોતી અને યુવા કાર્યકરો નિરાશ થયા હતા.
ભૂતકાળમાં ત્રણ કે તેથી વધુ વખત હારનારા સિનિયર નેતાઓની ટિકિટ કાપવાના નિર્ણય બાદ નરહરિ અમીન જેવા નેતાઓ જૂથ સાથે ભાજપમાં જોડાયા હતા. જોકે, ભાજપ દ્વારા જે રીતે મોટાભાગનું યુવા નેતૃત્વ તૈયાર કરીને તેમને પદ આપવામાં આવી રહ્યા છે, તે જ રાહ પર હવે કોંગ્રેસ પણ આગળ વધીને નવા અને યુવા ચહેરાઓને તક આપવાની તૈયારી કરી રહી છે.
૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકમાંથી ભાજપે ૧૫૬ બેઠક જીતીને ઈતિહાસ રચ્યો હતો. કોંગ્રેસને ૧૭ બેઠકો મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ ૫ બેઠકો જીતી હતી. કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા જીત્યા હતા, જ્યારે ૩ બેઠકો પર અપક્ષ ઉમેદવારોને જીત મળી હતી. ૨૦૧૭માં કોંગ્રેસને ૭૭ બેઠક મળી હતી જ્યારે ભાજપને ૯૯ બેઠક મળી હતી.(૪૦.૩૮)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
