<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

નરેન્‍દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવા ગુજરાતના યુવાનો યોગદાન આપશેઃ ડો. નરેશ દેસાઇ

પ્રદેશ ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખની અકિલા સાથે વાતચીત કેન્‍દ્ર અને રાજય સરકારની યુવાલક્ષી યોજનાઓથી યુવાનોને વાકેફ કરાશે

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના નવા નિયુકત થયેલા પ્રતિભાવંત પ્રમુખ ડો. નરેશ દેસાઇએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવા રાજયના યુવાનો મહત્‍વની ભૂમિકા ભજવશે. તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો છે. તેમણે આગામી દિવસોમાં શૈક્ષણીક સંસ્‍થાઓ અને અન્‍યત્ર યુવા સંપર્ક અભિયાન હાથ ધરવાનો તેમણે નિર્દેષ કર્યો છે.

ડો. નરેશ કે. દેસાઇએ ‘અકિલા' સાથેથી વાતચીતમાં જણાવેલ કે યુવાનોમાં અસીમ શકિત રહેલી છે. ભાજપ યુવાનોને કારકિર્દીના ઘડતરમાં તક આપવામાં માને છે. મારા જેવા સામાન્‍ય પરિવારમાંથી આવતા યુવાનને મોટી જવાબદારી મળી તે પાર્ટીની શ્રેષ્‍ઠ નીતિ દર્શાવે છે. યુવાનો રાષ્‍ટ્ર સેવામાં વધુમાં વધુ જોડાય તેવા યુવા મોરચાના પ્રયાસો રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવામાં ગુજરાતના યુવાનો મહત્‍વની ભૂમિકા ભજવશે. રાજય અને કેન્‍દ્ર સરકારની યુવાલક્ષી યોજનાઓને યુવાનો સુધી વધુમાં વધુ પહોચાડાશે. મને યુવા મોરચાનો પ્રમુખ બનાવવા બદલ હું પાર્ટીના નેતાઓનો આભારી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. નરેશ દેસાઇ મુળ પાટણ જિલ્લાના વતની છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ. એસ.સી. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી કારકિર્દીનો પ્રારંભ કરેલ. પરિષદના કર્ણાવતી મહાનગરના મંત્રી તરીકે રહી ચૂકયા છે. એક સમયે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય હતાં. ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીમાંથી બઢતી મેળવીને પ્રદેશ પ્રમુખ  બન્‍યા છે. તેઓ દશેરા આસપાસના દિવસોમાં વિધિવત કાર્યભાર સંભાળનાર છે. (મો. નં. ૮૮૬૬૧ ૩૯ર૯૭ અમદાવાદ)

(12:01 PM IST)