તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 10th November 2026
પાલનપુરમાં ખાનગી ICUમાં સારવાર દરમિયાન યુવકનું મોત: એજન્ટોની સક્રિયતા અને હોસ્પિટલની બેદરકારી સામે રોષ
સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને ફોસલાવીને ખાનગી આઈસીયુમાં લઈ જનાર એજન્ટોના કારસ્તાન અને સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

પાલનપુર : બનાસકાંઠાના પાલનપુરમાં હાઈવે પર આવેલી એક ખાનગી ICUમાં સારવાર દરમિયાન ઉંબરી ગામના યુવકનું કરૂણ મોત નીપજતા ભારે વિવાદ સર્જાયો છે, જ્યાં પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરીને જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચીને ન્યાયની ગુહાર લગાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઈજાગ્રસ્ત યુવકને સૌપ્રથમ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી સિટી સ્કેન કરવા લઈ જતી વેળાએ એક સક્રિય એજન્ટે યુવકને ગેરમાર્ગે દોરીને સિવિલ હોસ્પિટલને બદલે હાઈવે પર આવેલી ખાનગી ICUમાં દાખલ કરાવી દીધો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર સામાન્ય ઈજા હોવા છતાં ખાનગી હોસ્પિટલની ખોટી સારવાર અને બેદરકારીના કારણે યુવકની તબિયત અચાનક વધુ બગડી ગઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત થઈ ગયું હતું, જેને લઈને ગત રાતથી જ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો.
આ આખી ઘટનાએ પાલનપુર સિવિલ હોસ્પિટલની આંતરિક વ્યવસ્થાઓ અને સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણ કે સિવિલમાં પૂરતી સુવિધાઓનો અભાવ હોવા ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં દલાલો અને એજન્ટોનું નેટવર્ક બેરોકટોક સક્રિય હોવાની પોલ ખૂલી ગઈ છે. આ મામલે પીડિત પરિવાર અને સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલ સંચાલકો તેમજ સિવિલમાં સક્રિય એજન્ટો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.
પોલીસ મથકે પહોંચેલા પરિવારજનોની રાવ અને ગંભીર આક્ષેપોના પગલે પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, અને પોસ્ટમોર્ટમ તેમજ ડૉક્ટરોના રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું સાચું કારણ જાણીને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
