તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
મહીસાગરમાં લગ્ન કરાવવાના મુદ્દે નાનો ભાઈ ઉશ્કેરાયો: સગા મોટા ભાઈના માથામાં પથ્થરોના ઘા મારી કરાઈ ઘાતકી હત્યા
સંતરામપુરના મોટી કયાર ગામે સંબંધોને શર્મસાર કરતી લોહિયાળ ઘટનાથી પરિવારમાં શોક અને પંથકમાં ભારે અરેરાટી

સંતરામપુર : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં લગ્નની વાતને લઈને નાના ભાઈએ પોતાના જ સગા મોટા ભાઈની અત્યંત નિષ્ઠુરતાથી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. 'લગ્ન કેમ કરાવતા નથી' તે મુદ્દે ઉશ્કેરાયેલા ચેતન તાવિયાડે પોતાના મોટા ભાઈના માથામાં પથ્થરના ઉપરાછાપરી ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ગોઝારી ઘટનાને પગલે મૃતકના સ્વજનોમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે.
સંતરામપુર તાલુકાના મોટી કયાર ગામમાં સંબંધોને શર્મસાર કરતી આ હત્યાની ઘટના સામે આવી છે. લગ્ન ન કરાવવાના મુદ્દે બે ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો લોહિયાળ હિંસા સુધી પહોંચી ગયો હતો, જેમાં આવેશમાં આવેલા નાના ભાઈ ચેતન તાવિયાડે ભાઈ પર પથ્થરો વડે ઘાતકી હુમલો કર્યો હતો.
હત્યાની આ આઘાતજનક ઘટના અંજામ આપ્યા બાદ આરોપીએ ભાઈના મૃતદેહને નદીની પાળી પર મૂકી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાનૂની કાર્યવાહી હાથ ધરીને ભાગી છૂટેલા હત્યારા ચેતન તાવિયાડને ટૂંક સમયમાં જ ઝડપી પાડ્યો છે.
આ ઘટના બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે તેમજ બનાવ સ્થળેથી પુરાવા એકત્ર કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે, જ્યારે ઘટના અંગે વધુ વિગતો મેળવવા માટે ગામના લોકો અને પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
