તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 8th November 2026
'તમે સુપર પાવર નથી': ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટરને સ્વભંડોળમાંથી ₹૧ લાખ ચૂકવવા આદેશ કર્યો
ખેડૂતની જમીનને બિનખેતી (NA)માં ફેરવવાની અરજી કોર્ટના આદેશ છતાં ફરી નામંજૂર કરતાં હાઈકોર્ટે કલેક્ટર ભવ્ય વર્માના વલણને કોર્ટની અવમાનના ગણી ભારે ફટકાર લગાવી.

અમદાવાદ : અમદાવાદના કલેક્ટર ભવ્ય વર્માને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટો અને આકરો ઝટકો લાગ્યો છે. એક ખેડૂતની જમીનને બિનખેતી (NA) ઉપયોગમાં ફેરવવાની અરજીને હાઈકોર્ટના અગાઉના ચુકાદાનું સ્પષ્ટ પાલન કર્યા વગર જ કલેક્ટરે ફરીથી નામંજૂર કરી દેતાં હાઈકોર્ટ લાલઘૂમ થઈ હતી. અદાલતે કલેક્ટરના આ પગલાંને કોર્ટની અવમાનના ગણીને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અરજદારને થયેલી ભારે પરેશાની અને કાનૂની ખર્ચની ભરપાઈ માટે કલેક્ટરને પોતાના ખિસ્સામાંથી એટલે કે પગાર/સ્વભંડોળમાંથી એક મહિનાની અંદર હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં ₹૧ લાખ જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, ભૂમિકાબેન નામનાં અરજદારે પોતાની ખેતીની જમીનને બિનખેતી હેતુ માટે ઉપયોગમાં લેવાની પરવાનગી મેળવવા ડિસેમ્બર ૨૦૨૪માં અરજી કરી હતી, જેને કલેક્ટરે ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ફગાવી દીધી હતી. આ નિર્ણય સામે અરજદારે હાઈકોર્ટના દરવાજા ખટખટાવતાં ૨ માર્ચ ૨૦૨૬ના રોજ અદાલતે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે કલમ ૬૫ હેઠળ જમીનની માલિકી નક્કી કરવાનો અધિકાર કલેક્ટર પાસે નથી, માત્ર જમીનનો કબજો અને ખેતીનો ઉપયોગ જ ધ્યાને લેવાનો હોય છે.
હાઈકોર્ટના આદેશ બાદ ભૂમિકાબેને ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ ફરીથી NA પરવાનગી માટે અરજી કરી હતી, પરંતુ અમદાવાદ કલેક્ટરે ૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જૂના કારણો જ આગળ ધરીને ફરી અરજી ફગાવી દીધી હતી. કલેક્ટરના આ અડિયલ વલણ પર આકરા પ્રહારો કરતાં હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે કલેક્ટર પોતાને 'સુપર પાવર ઓથોરિટી' માનતા હોય અને મરજી મુજબ કામ કરી શકે તેવી માનસિકતા ધરાવતા હોય તેવું લાગે છે, જ્યારે કોઈ સરકારી સત્તાધિકારી કોર્ટના આદેશથી ઉપર નથી.
હાઈકોર્ટના આ ઐતિહાસિક અને કડક આદેશ બાદ હવે કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા આ અરજી પર તાત્કાલિક પુનઃવિચારણા કરીને નિયમાનુસાર NA મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવી પડશે. આ ઉપરાંત, આ ચુકાદાથી સરકારી બાબુઓમાં કોર્ટના આદેશોનું અક્ષરશઃ પાલન કરવાનો સ્પષ્ટ સંદેશ ગયો છે અને આગામી દિવસોમાં અન્ય કલેક્ટરો તથા મહેસૂલી અધિકારીઓ માટે પણ આ આદેશ એક મહત્વપૂર્ણ પૂર્વઉદાહરણ બની રહેશે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
