<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

યોગ એ માત્ર કસરત નથી પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ કળા છે : ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પથી આજે આખું વિશ્વ વસુધૈવ કુટુંબકમના ભાવ સાથે યોગથી જોડાયું : યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને સ્વસ્થ જીવનશૈલીના શપથ લેવડાવ્યા

ગાંધીનગર:૨૧ જૂન, રવિવારના રોજ ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે એક વિશેષ અને ભવ્ય યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકભવન પરિવારના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત સૌ લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવીને માનવ જીવનમાં સ્વાસ્થ્ય અને સકારાત્મકતાના મહત્વ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
યોગના વૈશ્વિક અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતની હજારો વર્ષ જૂની પ્રાચીન વિદ્યા, પરંપરા અને એક સચોટ વિજ્ઞાન છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે મનુષ્યના જીવનને યોગ્ય અને સંતુલિત રીતે જીવવાની એક ઉત્તમ કળા છે. ભારતીય સંસ્કૃતિમાં અનાદિકાળથી યોગને હંમેશા ઉત્કૃષ્ટ શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિના સબળ આધારરૂપ માનવામાં આવ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક દ્રષ્ટિકોણને હૃદયપૂર્વક બિરદાવતા ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાણ પ્રયાસો અને દ્રઢ સંકલ્પશક્તિને કારણે જ આજે યોગને વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. તેમણે વિશ્વના કરોડો લોકોને યોગની શક્તિ સાથે જોડીને ભારતની આ ભવ્ય વિરાસતને વિશ્વફલક પર ગૌરવ અપાવ્યું છે. આજના દિવસે આખું વિશ્વ યોગના માધ્યમથી 'વસુધૈવ કુટુંબકમ'ના પવિત્ર ભાવ સાથે એકતાના સૂત્રમાં બંધાઈ રહ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયની અતિ વ્યસ્ત અને દોડધામભરી જીવનશૈલીમાં માનસિક તણાવ તેમજ અનેક જીવનશૈલી સંબંધિત બીમારીઓથી સુરક્ષિત બચવા માટે યોગ એ જ સૌથી શ્રેષ્ઠ અને અમોઘ માધ્યમ છે. નિયમિત રીતે કરવામાં આવતો યોગાભ્યાસ અને પ્રાણાયામ માત્ર માનવ શરીરને જ નિરોગી રાખવાનું કામ નથી કરતા, પરંતુ તે માનવીના મનને પણ એકાગ્ર, શાંત, પવિત્ર અને સકારાત્મક ઊર્જાથી સભર બનાવે છે. આપણે સૌએ યોગને માત્ર એક દિવસના ઉત્સવ પૂરતો મર્યાદિત ન રાખતા, તેને આપણી દૈનિક જીવનશૈલીનો એક અવિભાજ્ય અને અભિન્ન અંગ બનાવીને 'સ્વસ્થ શરીર-સ્વસ્થ મન'ના સંકલ્પને પ્રત્યેક સ્તરે સિદ્ધ કરવો જ જોઈએ.
આ ભવ્ય કાર્યક્રમમાં ટ્રેનર અશ્વિનભાઈ દવેએ ઉપસ્થિત સૌ નાગરિકો અને મહાનુભાવોને ક્રમબદ્ધ રીતે વિવિધ આસનો અને પ્રાણાયામનો સામૂહિક યોગાભ્યાસ કરાવ્યો હતો. સામૂહિક યોગાભ્યાસની પૂર્ણાહુતિ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ત્યાં હાજર રહેલા તમામ લોકોને દૈનિક જીવનમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટેના પવિત્ર શપથ લેવડાવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય યોગાભ્યાસ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, ગૃહ નિયામક કે.કે.જોષી સહિત લોકભવનના તમામ ઉચ્ચ અધિકારીઓ, વહીવટી કર્મચારીઓ તેમજ સ્થાનિક નગરજનોએ એકસાથે આસન પર બેસીને યોગ કર્યા હતા.

(10:56 AM IST)