<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ગઈકાલે ચૂંટણીનું પરિણામ આવ્યું અને આજે ધારાસભ્ય ચૈતર વસાવા પર ત્રણ FIR થઈ

પોલીસે શરૂઆતના પાંચ દિવસ સુધી ફરિયાદ નોંધી નહીં:જેલથી અમે ડરતા નથી, કામદારો માટે લડતા રહીશું:હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે:જેલમાં જઈશું પરંતુ ન્યાય તો અપાવીને જ રહીશું: કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ કંપની પર FIR કરવી પડે, જવાબદારો સામે કાર્યવાહી કરવી પડે પરંતુ પોલીસે આવી કોઈ કાર્યવાહી કરી નહીં: ચૈતર વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયા GIDCનીમેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 30મી તારીખના રોજ તેમની બેદરકારીના લીધે આગ લાગી હતી. જેમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને 2 કર્મચારીઓના મૃત્યુ થયા હતા. પીડિત પરિવારજનોને સાથે લઈને અમે ઘટના સ્થળે ગયા હતા અને કંપનીને કહ્યું હતું કે માનવતાના ધોરણે આપને મદદરૂપ બનવું જોઈએ અને તેમની પોલિસી કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હેઠળ પીડિતોને સહાય આપવી જોઈએ. પરંતુ પોલીસે 5 દિવસ સુધી કોઈપણ જાતની એફઆઈઆરનોંધવાની કાર્યવાહી કરી નથી. અમારા ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે, જેને અમે સંતુષ્ટ માનીએ છીએ. પરંતુ સવાલ એ થાય છે કે કોઈપણ ઘટના બને, કોઈનું મૃત્યુ થાય તો પ્રાથમિક તારણ મુજબ કંપની પર તાત્કાલિક એફઆઈઆર થવી જોઈએ અને જે પણ જવાબદાર હોય તેની સામે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી નથી.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતુ કે ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ગુનાહિતોની સામે કાર્યવાહી કરવાના બદલે મારા સહિતના આગેવાનો પર ત્રણ- ત્રણ એફઆઈઆર કરી છે. ગઈકાલે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આજે એફઆઈઆર કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે પહેલા ચૈતરભાઈ પર કાર્યવાહી કરો, તે ડરશે અને આગળની કાર્યવાહી ઠપ થઇ જશે અને પછી કંપનીવાળાને બચાવી લઇશું. ત્યારે અમે પોલીસના અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે તમારી ખોટી એફઆઈઆરોથી કે જેલોથી અમે ડરનારા લોકો નથી. અમે અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા સહિતના તમામ કામદારો માટે લડ્યા છીએ, આજે પણ લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ લડતા રહીશું. જનતા ખૂબ સારી રીતે જાણે છે અને જાગૃત છે. તમામ કામદારોને પણ ખબર છે કે અહીં શું ઘટના ઘટી છે. જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે હજારો ચૈતર વસાવા અહીં ઉભા થઈ ગયા છે. હજારો ચૈતર વસાવા જેલમાં જવા માટે તૈયાર છે. આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે ત્યારે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલમાં વેઠીશું પણ અમારું કામ જે કામદારોને અહીં ન્યાય અપાવવાનું છે તે કરીને જ રહીશું. 16 પરિવારજનોને ન્યાય અપાવવાનું કામ અમારું છે અને એ ન્યાય અપાવીને જ રહીશું. તેમજ પીડિત પરિવારજનોની સાથે અડગ રીતે ઉભા રહીશું

(11:06 PM IST)