News of Wednesday, 25th November 2026
વાહ રે તંત્ર વાહ! બ્રિજ બનાવવામાં ૯ વર્ષ લાગ્યાં: ટકયો માત્ર ૧૦૦ દિવસ! હવે ૧૫ કરોડનું સમારકામ
ભરૂચના આમોદ અને જંબુસરને જોડતા ૬૬ કરોડના ડોલિયા-દેણવા બ્રિજમાં લોકાર્પણના માત્ર ૧૦૦ દિવસમાં જ મોટી તિરાડો પડતાં ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો

ભરૂચઃ તા.૨૫: ભરૂચના આમોદ અને જંબુસરને જોડતા ૬૬ કરોડના ડોલિયા-દેણવા બ્રિજમાં લોકાર્પણના માત્ર ૧૦૦ દિવસમાં જ મોટી તિરાડો પડતાં ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઉભા થયા છે. ૧૮ મહિનાનું કામ ૯ વર્ષે પૂર્ણ થયા બાદ હવે એપ્રોચ રોડ ધસી પડતાં સમારકામ પાછળ વધુ ૧૫ કરોડ ફાળવાયા છે. ભારે વાહનો માટે પ્રતિબંધ છતાં બ્રિજની આ હાલત કેમ થઈ તે જાણવા વાંચો અહેવાલ.
ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતા ડોલિયા-દેણવા બ્રિજમાં લોકાર્પણ થયાના માત્ર ૧૦૦ દિવસમાં જ મોટી તિરાડો પડી જવાથી બાંધકામની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા થયા છે. અંદાજે ૬૬ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ બ્રિજના દેણવા તરફના એપ્રોચ રોડમાં મસમોટી તિરાડો પડીને જમીન બેસી ગઈ હોવાની વિગતો સામે આવી છે.
મળતી માહિતી મુજબ, આ બ્રિજનું કામ ૧૮ મહિનામાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે ૯ વર્ષના લાંબા વિલંબ બાદ કામગીરી પૂરી કરી હતી. ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારથી જ નબળી ગુણવત્તાની આશંકા સાથે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને હાલ માત્ર નાના વાહનોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
જંબુસર અને દહેજ વચ્ચેના ઔદ્યોગિક પરિવહન માટે આ બ્રિજ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો. પરંતુ લોકાર્પણના ટૂંકા ગાળામાં જ બ્રિજના એપ્રોચ રોડ પર તિરાડો પડતાં અને ભારે વાહનો પર પ્રતિબંધ રહેતા બ્રિજના મુખ્ય હેતુને મોટો ફટકો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.બ્રિજના એપ્રોચ રોડમાં થયેલા નુકસાન મામલે દરિયાઈ ખારાશ અને ઢાઢર નદીના વહેણની જાણ હોવા છતાં બાંધકામ સમયે પૂરતી કાળજી રાખવામાં ન આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા નદીના વહેણમાં ફેરફાર અને દરિયાઈ કરંટ જેવા કારણો આગળ ધરવામાં આવ્યા છે. હવે એપ્રોચ રોડનું ધોવાણ અટકાવવા માટે સુરક્ષા વોલ અને આર.સી.સી. પ્રોટેક્શન બ્લોક બનાવવા માટે તંત્ર દ્વારા વધુ ૧૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
