તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
વિશ્વ મેલેરિયા દિવસ : ગુજરાત મેલેરિયા મુક્તિ ભણી અગ્રેસર : છેલ્લા ૧૦ વર્ષમાં કેસોમાં ૯૨ ટકાનો નોંધપાત્ર ઘટાડો
'Driven to End Malaria' થીમ સાથે જનજાગૃતિ અભિયાન : રાજ્યમાં ૧૦૦૦ની વસ્તીએ પોઝિટિવ દર ૧ થી નીચે નોંધાતા ગુજરાત કેટેગરી-૧ માં સામેલ

રાજકોટ:સમગ્ર વિશ્વમાં ૨૫ એપ્રિલના રોજ 'વિશ્વ મેલેરિયા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ ગંભીર રોગ સામે લડવા માટે જનજાગૃતિ કેળવવાનો અને સામૂહિક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ વર્ષે "Driven to End Malaria: Now We Can. Now We Must." થીમ નિર્ધારિત કરવામાં આવી છે. આ અવસરે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા મુક્ત વિશ્વના નિર્માણ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની સફળતાના આંકડા:
રાજ્યના આરોગ્ય વિભાગની છેલ્લા એક દાયકાની કામગીરીના પરિણામે મેલેરિયાના કેસોમાં ૯૨ ટકા જેટલો મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૫ ના આંકડા મુજબ, ૧.૮૧ લાખથી વધુ તાવના દર્દીઓનું નિદાન કરી તેમને ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં મેલેરિયાનો પોઝિટિવ દર ૧૦૦૦ની વસ્તી દીઠ ૧ થી પણ ઓછો નોંધાયો છે. આ સફળતાને કારણે ગુજરાત હવે મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કેટેગરી-૨ માંથી કેટેગરી-૧ માં સ્થાન પામ્યું છે.
મેલેરિયા નિર્મૂલન માટેની સક્રિય કામગીરી:
મેલેરિયાને જડમૂળથી ઉખેડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે:
સર્વેલન્સ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હાઉસ-ટુ-હાઉસ અને ફિવર સર્વેલન્સ.
નિવારક પગલાં: પોરાનાશક (Anti-larval) કામગીરી, બાંધકામ સાઈટ પર તપાસ અને મજૂરોનું બ્લડ સ્ક્રીનિંગ.
જૈવિક નિયંત્રણ: પાણીના સ્થગિત સ્ત્રોતોમાં મચ્છરના પોરા ખાતી માછલીઓ મૂકવાની પ્રક્રિયા.
મફત સેવા: તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં મેલેરિયાનું નિદાન અને સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
મેલેરિયાના લક્ષણો અને બચાવ:
એનોફિલીસ માદા મચ્છર દ્વારા ફેલાતા આ રોગમાં સખત ઠંડી સાથે ધ્રુજારી લાગવી, તાવ આવવો, માથા અને શરીરનો દુખાવો તેમજ ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે. તેનાથી બચવા માટે નીચે મુજબની તકેદારી રાખવી અનિવાર્ય છે:
પાણીના પાત્રો હંમેશા હવાચુસ્ત ઢાંકીને રાખવા.
ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું અને ખાડા પૂરી દેવા.
સુતી વખતે મચ્છરદાનીનો આગ્રહ રાખવો અને બારી-બારણામાં જાળી લગાડવી.
તાવના સંજોગોમાં વિલંબ કર્યા વગર તાત્કાલિક લોહીની તપાસ કરાવી સંપૂર્ણ સારવાર લેવી.
વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે રાજ્યભરમાં રેલીઓ, શૈક્ષણિક કાર્યક્રમો અને ડિજિટલ માધ્યમો દ્વારા 'મેલેરિયા મુક્ત ગુજરાત'નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવામાં આવી રહ્યો છે.
સંદેશ: "મેલેરિયાથી બચવાનો એક જ ઉપાય - વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર."
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
