News of Friday, 22nd May 2026
શ્રમિકે તેના સાથી મિત્રને માથાના ભાગે લાકડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધો :સુરતના અમરોલી ઓવરબ્રિજ નીચેથી મળેલ યુવકની લાશ મામલે ઘટસ્ફોટ
મોબાઈલ ફોન જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી ઉગ્ર બનતા જીવલેણ થઇ : અમરોલી પોલીસ એ હત્યાનો ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલ કાઢ્યો

સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 15 મેં ના રોજ અમરોલી ઓવરબ્રિજ નીચેથી એક લાશ આવી હતી. પોલીસે પ્રથમ તો આ લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી જો કે પોસ્ટમોર્ટમમાં તેમને માથાના ભાગી ગંભીર પહોંચી હોવાથી તેમનું મોત થયું હોવાની જાણ થતા અમરોલી પોલીસ એ હત્યાનો ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલ કાઢ્યો હતો.
અમરોલી ઓવરબ્રિજ નીચેથી અજાણ્યા યુવકની લાશના મામલે પોલીસે ચોંકાવનારો ભેદ ઉકેલી નાખ્યો છે. મોબાઈલ ફોન જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક શ્રમિકે તેના જ સાથી મિત્રને માથાના ભાગે લાકડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ ૧૫ મે ૨૦૨૬ ના રોજ બપોરના સમયે અમરોલી બ્રિજ નીચેથી એક યુવકની લાશ મળી આવી હતી. જેની ઓળખ હીરાલાલ ચંપા ગરાસિયા તરીકે થઈ હતી. શરૂઆતમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જો કે, મૃતક યુવકનું પોસ્ટમોર્ટમ કરાવતા તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. જેથી આ મામલો શંકાસ્પદ જણાતા પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
અમરોલી પોલીસ દ્વારા આ કેસમાં કોઈ ચુસ્ત કડી ન હોવા છતાં, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપી રમેશ ઉર્ફે પાઇલટ પાર્સિંગ ગરાસિયા ને ઝડપી પાડવામાં આવ્યો હતો..પોલીસની કડક પૂછપરછમાં આરોપી રમેશે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, ૧૫મી તારીખે બપોરે હીરાલાલ અને તેની વચ્ચે મોબાઈલ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ગુસ્સામાં આવીને રમેશે લાકડાનો એક ફટકો હીરાલાલના માથામાં મારી દીધો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું કે, મૃતક હીરાલાલ અને આરોપી રમેશ બંને મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી હતા અને સુરતમાં છૂટક મજૂરી કામ કરતા હતા. બંને એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. હાલ પોલીસ રેકોર્ડ મુજબ આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. અમરોલી પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
