<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

નવસારીના ચીખલીમાં મહિલા સરપંચ પર હુમલો : વિકાસ કામ રોકવાના મુદ્દે બબાલ : પતિને માથામાં 6 ટાંકા આવ્યા

બારોલિયા મંદિર ફળિયા ગામમાં નાળાના કામને લઈ વિવાદ : જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમિતા પટેલ સહિત 4 સામે FIR, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો

ચીખલી (નવસારી) તા.૨૭ :  નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા ગામમાં વિકાસ કામને લઈને મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો થયાની ઘટના સામે આવી છે.

 

મળતી માહિતી મુજબ, ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ગ્રામ પંચાયતના નવા મકાન અને નાળાનું કામ ચાલી રહ્યું હતું. મહિલા સરપંચ પ્રિયંકાબેન પટેલ અને પતિ અલ્પેશ પટેલ 23 સપ્ટેમ્બરે સવારે કામ જોવા ગયા હતા ત્યારે નવસારી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમિતા પટેલ અને તેમની સાથે 3 લોકો ત્યાં પહોંચ્યા અને કામ બંધ કરાવવા લાગ્યા.

 

સરપંચે લેખિતમાં કારણ માંગતા બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો. આરોપ છે કે અલ્પેશ પટેલને પથ્થર અને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો, જેમાં તેમને કપાળમાં ગંભીર ઈજા થતા 6 ટાંકા આવ્યા. મહિલા સરપંચ સાથે પણ ધક્કામુક્કી થઈ હોવાનો આક્ષેપ છે.

 

આ મામલે ચીખલી પોલીસે અમિતા પટેલ, જતીનભાઈ કુણબી, જીગ્નલભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ એમ 4 લોકો સામે BNS અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:15 PM IST)