તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
ડાકણ હોવાના વહેમથી ટોળાએ મહિલાને માર્યો મારઃ પતિ વચ્ચે પડતા કુહાડીના ઘા ઝીંક્યા, નીપજ્યું મોત
વિજયનગર વિસ્તારમાં અંધશ્રદ્ધાના કારણે ચકચારી હત્યાની ઘટના સામે આવી

સાબરકાંઠા તા.૨૮: વિજયનગર વિસ્તારમાં અંધશ્રદ્ધાના કારણે ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. ગાડી ગામમાં મહિલા ડાકણ હોવાનો વહેમ રાખીને ૧૨ જણાના ટોળાએ તેની પર હુમલો કર્યો હતો. જેથી મહિલાનો પતિ તેને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. જોકે, આ લોકો તેના પતિને ખેંચીને ખેતરમાં લઈ જઈ કુહાડીના ઘા ઝીંક્યા હતા. જેમાં તેનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે મહિલા સહિત અન્ય બે લોકોને ઇજા પહોંચી છે. ચીઠોડા પોલીસે ઘટનાને લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એક પરિણીતા પર ડાકણ હોવાની શંકા રાખીને ૧૨ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન આધેડ પોતાની પત્નીને બચાવવા વચ્ચે પડ્યો હતો. જોકે, આ ટોળાએ મહિલાના પતિને ખેંચીને ખેતરમાં લઈ જઈ કુહાડીના ઘા ઝીંક્યા હતા.જે બાદ આધેડ પતિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતુ. આ ઉપરાંત મહિલા સહિત અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે ૧૨ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ આ ઘટના વાયુવેગે આખા પંથકમાં ફેલાઈ ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાત સરકાર, પોલીસ પ્રશાસન, અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ જેવા સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે. જો તમને કે તમારી આસપાસ કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધા કે કાળા જાદુનો ભોગ બનતી જણાય, તો તાત્કાલિક ૧૦૦ (હેલ્પલાઈન) નંબર પર પોલીસનો સંપર્ક કરવો જોઈએ.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
