<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ખેડાના ઠાસરામાં મહી કેનાલમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો : બચાવવા ગયેલો ૧૫ વર્ષીય પુત્ર આર્ય કેનાલના પાણીમાં ડૂબી જતાં લાપતા

સ્થાનિક લોકોએ માતાને બચાવી હોસ્પિટલ ખસેડી:પોલીસ અને તરવૈયાઓની ટીમ દ્વારા સગીર પુત્રની શોધખોળ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહી કેનાલ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રખિયાલ ગામના રહેવાસી જયપાલસિંહ રાઉલજી તેમના પત્ની શિલ્પાબેન રાઉલજી અને 15 વર્ષીય પુત્ર આર્ય સાથે કાલસરથી જોરબંધ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક શિલ્પાબેને કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી.

ઘટનાની જાણ થતાં જ પુત્ર આર્યએ પોતાની માતાને બચાવવા માટે ત્વરિત કેનાલમાં ઝંપલાવ્યું હતું. માતા અને પુત્રને પાણીમાં ડૂબતા જોઈ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોની ભારે જહેમત બાદ શિલ્પાબેનને કેનાલમાંથી સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક ડાકોરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જોકે, આ દુઃખદ ઘટનામાં માતાને બચાવવા ગયેલો 15 વર્ષીય પુત્ર આર્ય કેનાલના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયો છે. આર્યનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાની જાણ થતાં જ ડાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં આર્યની શોધખોળ માટે સઘન મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ સતત પ્રયત્નો છતાં હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કૌટુંબિક ઝઘડા અથવા ઘરકાંસના કારણે શિલ્પાબેને આ આત્યંતિક પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ હાલ આ મામલે આગળની તપાસ કરી રહી છે.

(12:16 AM IST)