News of Thursday, 9th July 2026
પરસ્ત્રીઓ સાથે ચેટિંગ કરવા પત્નીને રૂમમાં પૂરી દીધી
દારૂ પીને અવારનવાર ઝઘડા કરતા અને કાર તેમજ પૈસાની માંગણી કરતા સાસરિયાઓથી કંટાળીને આખરે પરિણીતાએ ચાંદખેડા પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી

અમદાવાદ,તા.૦૯: શહેરમાં ઘરકંકાસ અને ઘરેલું હિસાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને અન્ય ષીઓ સાથે આડા સંબંધો ધરાવતા પતિએ પત્નીને માર મારી, માત્ર એટલા માટે રૂમમાં પૂરી દીધી હતી જેથી તે શાંતિથી અન્ય યુવતીઓ સાથે ચેટિગ કરી શકે. દારૂ પીને અવારનવાર ઝઘડા કરતા અને કાર તેમજ પૈસાની માંગણી કરતા સાસરિયાઓથી કંટાળીને આખરે પરિણીતાએ ચાંદખેડા પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી છે.
પીડિત મહિલાના લગ્ન વર્ષ ૨૦૨૩માં આબુ રોડ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન સમયે યુવક અમદાવાદમાં પીજીમાં રહીને નોકરી કરતો હતો અને તેનો માસિક પગાર આશરે રૂ.૮૫,૦૦૦થી એક લાખ રૂપિયા હતો. જો કે, લગ્ન બાદ જ્યારે પત્નીએ કમાણી અંગે પૂછપરછ કરી ત્યારે પતિએ પોતાનો પગાર માત્ર રૂ.૫૫,૦૦૦ હોવાનું જણાવીને ખોટું બોલ્યો હતો.
એટલું જ નહીં, લગ્ન પહેલાં અમદાવાદમાં સ્થાયી થવાનો વાયદો કરનાર પતિ લગ્ન બાદ અચાનક નોકરી છોડીને આબુ રોડ રહેવા જતો રહ્યો હતો અને સાસરિયાઓએ પરિણીતાને સામાજિક પ્રસંગોમાં જતી રોકીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘરમાં નાની-નાની બાબતોમાં પરિણીતાને ટાર્ગેટ કરવામાં આવતી હતી.
એક દિવસ પરિણીતાને તેનો મેકઅપનો સામાન ન મળતા તેણે સાસુને આ અંગે પૂછ્યું હતું, જેને મુદ્દો બનાવી સાસુએ 'મારી પર ચોરીનો આરોપ લગાવે છે' તેમ કહીને મોટો ઝઘડો કર્યો હતો. આ દરમિયાન પરિણીતાને જાણવા મળ્યું હતું કે તેનો પતિ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક યુવતીઓ સાથે સંપર્કમાં છે.
જ્યારે પત્નીએ આ આડા સંબંધોનો વિરોધ કર્યો, ત્યારે પતિએ ઉશ્કેરાઈને પોતાના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો હોવાની વાત સ્વીકારી લીધી હતી અને પત્નીને માર મારીને એકલી રૂમમાં પૂરી દીધી હતી, જેથી તે બહાર બેસીને અન્ય યુવતીઓ સાથે ઓનલાઈન ચેટિગ કરી શકે.
સાસરિયાઓનો ત્રાસ અહીં જ ન અટક્યો, એક દિવસ પતિએ દારૂના નશામાં ધૂત થઈને પત્ની સાથે ગંભીર મારપીટ કરી હતી અને પિયરમાંથી પૈસા તથા ગાડી લઈ આવવાનું દબાણ કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. લાંબા સમય સુધી આ માનસિક અને શારીરિક સતામણી સહન કર્યા બાદ, આખરે લાચાર બનેલી પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. ચાંદખેડા પોલીસે આ મામલે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
