તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
આખું માથું ફુલીને બહાર નીકળી ગયું , આકાર મગજ જેવો થઈ ગયો: જાણો શું છે આ ગંભીર બીમારી ? શા માટે અને કોને થાય છે ?
માથાની ચામડી ધીમે-ધીમે એટલી જાડી થઈ ગઈ કે તેના પર ઊંડી-ઊંડી કરચલીઓ પડી ગઈ અને આખું માથું માનવીના મગજ અથવા પથ્થર જેવી સપાટી ધરાવતું દેખાવા લાગ્યું.

અમદાવાદ :શું કોઈ વ્યક્તિનું માથું એકદમ પથ્થર જેવું દેખાઈ શકે? પ્રથમ નજરે તેનો જવાબ ‘ના’ જ લાગશે, પરંતુ ચીનના 23 વર્ષીય એક યુવક સાથે આવું જ બન્યું. તેના માથાની ચામડી ધીમે-ધીમે એટલી જાડી થઈ ગઈ કે તેના પર ઊંડી-ઊંડી કરચલીઓ પડી ગઈ અને આખું માથું માનવીના મગજ અથવા પથ્થર જેવી સપાટી ધરાવતું દેખાવા લાગ્યું.
આ દુર્લભ બીમારીનું નામ ક્યુટિસ વર્ટિસિસ જાયરાટા (Cutis Verticis Gyrata - CVG) છે. વિશ્વમાં ખૂબ ઓછા લોકોને થતી આ બીમારીનો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો દર્દીના દેખાવ ઉપરાંત તેના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે. જોકે રાહતની વાત એ છે કે આધુનિક પ્લાસ્ટિક સર્જરી દ્વારા આ બીમારીની સફળ સારવાર શક્ય છે.
ચીનના હુનાન પ્રાંતમાં રહેતા 23 વર્ષીય લી (નામ બદલાયેલું)ને ઘણા વર્ષો પહેલાં અનુભવ થયો હતો કે તેના માથાની ચામડી સામાન્ય લોકો કરતાં અલગ દેખાવા લાગી છે. શરૂઆતમાં ચામડી થોડી જાડી થઈ હતી, પરંતુ સમય જતાં તે સતત વધુ જાડી બનતી ગઈ.
થોડા જ વર્ષોમાં તેના માથા પર મોટી અને ઊંડી કરચલીઓ પડી ગઈ, જે માનવીના મગજની સપાટી જેવી દેખાતી હતી. લી જ્યારે 14 વર્ષનો થયો ત્યારે તેના માથાનો લગભગ અડધો ભાગ આવી જાડી કરચલીઓથી ઢંકાઈ ગયો હતો.
તેની આ અસામાન્ય સ્થિતિને કારણે લોકો તેને આશ્ચર્યથી જોવા લાગ્યા હતા. સતત લોકોના પ્રશ્નો અને નજરોના કારણે તે માનસિક તણાવમાં રહેવા લાગ્યો અને તેનો આત્મવિશ્વાસ પણ ઘટતો ગયો.
પોતાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીએ અનેક હોસ્પિટલોના ચક્કર લગાવ્યા હતા. શરૂઆતમાં ડૉક્ટરોએ તેની માથાની ચામડીને ખેંચીને સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નહોતો. તેના બદલે માથા પર મોટા નિશાન પડી ગયા હતા.
ત્યારબાદ જ્યારે તે અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ગયો ત્યારે મોટાભાગના ડૉક્ટરોએ સર્જરી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે અગાઉની નિષ્ફળ સર્જરીને કારણે માથા પર પૂરતી સ્વસ્થ ચામડી બચી નથી, તેથી ઓપરેશન કરવું જોખમી બની શકે.
આખરે લીની મુલાકાત વુહાન યુનિવર્સિટીની ઝોંગનાન હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. ઝોઉ વેઈ અને તેમની ટીમ સાથે થઈ હતી. તપાસ બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે તેને અત્યંત દુર્લભ CVG બીમારી છે.
ડૉક્ટરોએ સારવાર માટે બે તબક્કાની યોજના તૈયાર કરી હતી. પ્રથમ તબક્કામાં તેના માથાની ચામડી નીચે ખાસ ટિશ્યૂ એક્સપાન્ડર મૂકવામાં આવ્યા હતા. તેમાં સમયાંતરે પ્રવાહી ભરવામાં આવતું હતું જેથી સ્વસ્થ ચામડી ધીમે-ધીમે ખેંચાઈ અને વિસ્તરી શકે.
આ પ્રક્રિયા લગભગ 11 મહિના સુધી ચાલી હતી. ત્યારબાદ બીજી સર્જરીમાં જાડી અને અસામાન્ય ચામડી દૂર કરીને સ્વસ્થ ચામડીની મદદથી માથાને સામાન્ય આકાર આપવામાં આવ્યો હતો.
લગભગ ત્રણ કલાક ચાલેલી આ સર્જરી બાદ લીનું માથું પહેલાંની સરખામણીએ ઘણું સામાન્ય દેખાવા લાગ્યું છે અને હવે ત્યાં સામાન્ય રીતે વાળ પણ ઉગવા લાગ્યા છે.
ક્યુટિસ વર્ટિસિસ જાયરાટા (CVG) માથાની ચામડી સાથે સંબંધિત અત્યંત દુર્લભ બીમારી છે. તેમાં માથાની ચામડી સામાન્ય કરતાં અનેકગણી જાડી થઈ જાય છે અને તેના પર લાંબી તથા ઊંડી કરચલીઓ પડી જાય છે.
આ કરચલીઓ દેખાવમાં માનવીના મગજની સપાટી જેવી લાગે છે. સામાન્ય રીતે આ બીમારી કિશોરાવસ્થા અથવા યુવાની દરમિયાન જોવા મળે છે અને પુરુષોમાં મહિલાઓની સરખામણીએ વધુ જોવા મળે છે.
આ બીમારી અત્યંત દુર્લભ માનવામાં આવે છે. તબીબી અહેવાલો અનુસાર દર એક લાખ લોકોમાંથી માત્ર 1થી 5 લોકોને જ આ બીમારી થાય છે.
વિશ્વભરમાં તેના ખૂબ ઓછા કેસ નોંધાયા છે. તેથી ઘણા ડૉક્ટરોને પણ પોતાના સમગ્ર કારકિર્દી દરમિયાન આવા બહુ ઓછા દર્દીઓ જોવા મળે છે.
આ બીમારીનું ચોક્કસ કારણ હજુ સુધી વૈજ્ઞાનિકો જાણી શક્યા નથી. કેટલાક કિસ્સાઓમાં તે કોઈ સ્પષ્ટ કારણ વગર પોતે જ વિકસે છે.
જ્યારે કેટલાક દર્દીઓમાં તે હોર્મોન સંબંધિત સમસ્યાઓ, દુર્લભ ચામડીના રોગો, આનુવંશિક કારણો અથવા અન્ય બીમારીઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે.
આ બીમારીની શરૂઆત ધીમે-ધીમે થાય છે. શરૂઆતમાં માથાની ચામડી જાડી થવા લાગે છે, ત્યારબાદ તેના પર ઊંડી કરચલીઓ વિકસે છે અને સમય જતાં તે વધુ સ્પષ્ટ બનતી જાય છે.
જો બીમારીનું પ્રમાણ હળવું હોય તો ડૉક્ટરો માથાની યોગ્ય સફાઈ રાખવાની અને નિયમિત તપાસ કરાવવાની સલાહ આપે છે.
પરંતુ જો ચામડી ખૂબ જાડી થઈ જાય અથવા દર્દીના સામાન્ય જીવન પર તેની અસર થવા લાગે તો પ્લાસ્ટિક સર્જરી આ બીમારીની સૌથી અસરકારક સારવાર માનવામાં આવે છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
