News of Saturday, 2nd May 2026
અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયર કોણ ?: ૫ હોદ્દાઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ :નિરીક્ષકો ૩ નામોની પેનલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલશે
અમદાવાદના ખાનપુર ખાતે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા : શહેરના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી અભિપ્રાયો લેવાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની પસંદગીની કવાયત તેજ બની છે. અમદાવાદના ખાનપુર ખાતે ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર સહિતના 5 મુખ્ય હોદ્દાઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ બેઠકમાં શહેરના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે
અમદાવાદના મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી માટે ભાજપના નિરીક્ષકો દ્વારા ત્રણ તબક્કામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ રાજેશ ચુડાસમા, ગીતાબેન રાઠવા સહિતના સિનિયર નેતાઓ નિરીક્ષક તરીકે હાજર રહીને વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને હોદ્દેદારોના અભિપ્રાયો સાંભળી રહ્યા છે.
નિરીક્ષકો દ્વારા અમદાવાદના તમામ ધારાસભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન ચર્ચા કરવામાં આવશે. આ અભિપ્રાયો અને સંકલન બેઠક બાદ દરેક હોદ્દા માટે 3 સંભવિત નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલ આખરી નિર્ણય માટે ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે, જ્યાં નવા હોદ્દેદારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે.
અમદાવાદમાં આગામી અઢી વર્ષ માટે કોણ મેયર બનશે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. જ્ઞાતિગત સમીકરણો અને સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ નવા નામોની જાહેરાત કરી શકે છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક કોર્પોરેટરોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેના કારણે ખાનપુર કાર્યાલય ખાતે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
