તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬- અમદાવાદ' માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી સભાઇબેન ગઢવી
કચ્છથી રાષ્ટ્રીય મંચ સુધી: ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી પામેલા સભાઇબેનની પ્રેરણાદાયી સફર:અમદાવાદ ખાતે તા. ૨૩થી ૩૧ ઓક્ટૉબર ૨૦૨૬ દરમિયાન ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬'નું આયોજન

અમદાવાદ :અડગ મનોબળ, મહેનત અને સમર્પણથી શક્યતાઓની વ્યાખ્યા બદલાઇ જાય છે. કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના દીકરી સભાઇબેન ગઢવીએ પોતાની અડગ મહેનત અને સમર્પણથી ઇતિહાસ રચ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત વૈશ્વિક કક્ષાની 'કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬' માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર સભાઇબેન ગુજરાતના પ્રથમ મહિલા કબડ્ડી ખેલાડી બન્યા છે. જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
કચ્છના સભાઇબેનની કબડ્ડીની સફર મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં-૨ના મેદાનથી શરૂ થઈ હતી. તેમની પ્રતિભાને પારખીને શાળાના આચાર્ય મયુરભાઈ જોશી અને શિક્ષક હરેશભાઈ પંડ્યાએ તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને ગુજરાત સરકાર દ્વારા યોજાતી ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે તૈયાર કર્યા. પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે મોરબી ખાતે નવજીવન વિદ્યાલયમાં પ્રવેશ મેળવી કોચ તરીકે વિજયકુમાર ચૌધરી અને નરસિંહ રબારી પાસેથી કબડ્ડીનું માર્ગદર્શન મેળવ્યું હતું.
જ્યારે વર્ષ ૨૦૧૬માં વડોદરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોટા ભાડિયા પ્રા. શાળા નં. ૨ ની ટીમ ચોથા સ્થાને વિજેતા બની હતી, જેમાં સભાઇબેન સક્રિય રીતે સામેલ હતા. આ ઉપરાંત વર્ષ ૨૦૧૭માં ભાવનગર ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરીને તેમની શાળાની ટીમ બીજા સ્થાને એટલે કે રનર્સ-અપ રહી હતી.
વધુમાં વર્ષ ૨૦૧૮માં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સ્કુલ (DLSS)ની પરીક્ષા આપી હતી જેમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહ્યા હતા. તેમણે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન રમતગમત સત્તામંડળ ગુજરાત (SAG)ની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના હેઠળ PT ખેલાડી તરીકે તાલીમ મેળવી હતી. રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન અને મેડલ જીતવાના આધારે વર્ષ ૨૦૨૨માં તેમની COE યોજના હેઠળ પસંદગી થઈ હતી. સતત સારા પ્રદર્શનના આધારે વર્ષ ૨૦૨૪માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના NCOE, ગાંધીનગર ખાતે તેમની પસંદગી થઈ, જ્યાં તેઓ હાલ તાલીમ લઈ રહ્યાં છે.
તેમણે ખેલ મહાકુંભમાં અંડર-૧૪ કક્ષાએ બ્રોન્ઝ અને અંડર-૧૭ કક્ષાએ ગોલ્ડ મેડલ, SGFI અંડર-૧૯ માં ગોલ્ડ મેડલ તેમજ રાજ્ય કક્ષાની સબ-જુનિયર અને સિનિયર સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ સહિત અનેક સિદ્ધિઓ મેળવી છે. તેમણે વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે તથા ૨૦મી એશિયન ગેમ્સ માટેના ભારતીય કેમ્પમાં ભાગ લીધો છે.
"મોટા ભાડિયાના મેદાનથી લઈને કોમનવેલ્થ કબડ્ડીના વૈશ્વિક મંચ સુધીની સભાઇબેન ગઢવીની સફર DLSS જેવી પાયાની રમતગમત વિકાસ યોજનાઓની સફળતા દર્શાવે છે. જો યોગ્ય માર્ગદર્શન અને અતૂટ પરિશ્રમ મળે, તો ગુજરાતની દીકરીઓ પણ આકાશને આંબી શકે છે."
અત્રે ઉલ્લેખનીય છે કે, કબડ્ડીની રમતમાં એક દસકાની તપસ્યા અને પરિશ્રમ થકી સભાઈબેન ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬'માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે એક મેચ દરમિયાન તેમને બેસ્ટ ડિફેન્ડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમ સેમી ફાઈનલ રાઉન્ડમાં પહોંચી છે. આગામી મેચ માટે પણ ટીમને શુભેચ્છા
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
