તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
અમદાવાદ-લંડન પ્લેન ક્રેશના ઘા હજુ રુઝાયા નથી ત્યાં વડોદરાના યુવક પર બ્રિટિશ સરકારની ‘ક્રૂરતા’: પત્ની-દીકરી ગુમાવ્યા છતાં 14 દિવસમાં દેશ છોડવા ફરમાન!
“આવી દુર્ઘટનાઓ તો બનતી રહે છે” - કહીને UK સરકારે વિઝાની દયા અરજી ફગાવી: માનસિક આઘાત વચ્ચે વડોદરાના મોહમ્મદ શેઠવાલાની ન્યાય માટે આખરી લડાઈ, ભારતીય સમાજના મેણા-ટોણાના ડરે પરત આવતા પણ લાગે છે ફફડાટ

વડોદરા | તા.18: કુદરત ક્યારેક એટલી હદે કઠોર બની જાય છે કે માણસ જીવતે જીવ નર્કનો અનુભવ કરે છે. વડોદરાના 28 વર્ષીય મોહમ્મદ શેઠવાલા સાથે પણ કંઈક આવું જ બન્યું છે. વર્ષ 2025માં થયેલા એર ઈન્ડિયાના અમદાવાદ-લંડન પ્લેન ક્રેશમાં પોતાની પત્ની સાદીકા અને અઢી વર્ષની દીકરી ફાતિમાને ગુમાવનાર મોહમ્મદ પર હવે બ્રિટિશ સરકારે ‘ડિપોર્ટેશન’નો કોરડો વીંઝ્યો છે. પત્નીના નિધન સાથે જ તેનો ડિપેન્ડન્ટ વિઝા રદ ગણીને યુકે સરકારે તેને માત્ર 14 દિવસમાં દેશ છોડવા નોટિસ ફટકારી છે.
દુર્ઘટનામાં બધું જ વિખેરાઈ ગયું
મોહમ્મદ અને સાદીકા ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે 2022માં લંડન સ્થાયી થયા હતા. સાદીકાને વર્ક પરમિટ મળવાની જ હતી ત્યાં જ 2025માં વડોદરાથી લંડન પરત ફરતી વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ અને મોહમ્મદની દુનિયા ઉજ્જડ થઈ ગઈ. મોહમ્મદ તે સમયે લંડનમાં હતો એટલે બચી ગયો, પણ તેની પત્ની અને માસૂમ પુત્રી કાળનો કોળિયો બની ગયા.
બ્રિટિશ સરકારનું અમાનવીય વલણ
પત્ની-પુત્રીના મોતના આઘાતમાંથી બહાર આવવા માટે મોહમ્મદે 'ફર્ધર લિવ ટુ રિમેન' (FLR) હેઠળ માનવતાના ધોરણે વિઝા લંબાવવા અરજી કરી હતી. તેણે પોતાના ખરાબ માનસિક સ્વાસ્થ્યના 18 પેજના રિપોર્ટ રજૂ કર્યા, છતાં યુકેના અધિકારીઓએ અત્યંત કઠોરતાથી કહ્યું કે "આવી દુર્ઘટનાઓ તો બનતી રહે છે" અને તેની અરજી ફગાવી દીધી. હવે તેને 22 એપ્રિલ સુધીમાં યુકે છોડવા અલ્ટીમેટમ અપાયું છે.
ભારત આવતા કેમ ડરે છે મોહમ્મદ?
ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં મોહમ્મદે હૃદયદ્રાવક ખુલાસો કર્યો કે, તે ભારત પરત ફરવા નથી માંગતો કારણ કે અહીંનો સમાજ તેને વારંવાર પ્લેન ક્રેશની ઘટના યાદ અપાવીને મેણા-ટોણા મારે છે. તેણે જણાવ્યું કે, "ભારતમાં લોકો પર્સનલ લાઈફમાં એટલી પૂછપરછ કરે છે કે હું આઘાતમાંથી બહાર નથી આવી શકતો. યુકેમાં કોઈને બીજાની જિંદગીમાં માથું મારવાની ફુરસદ નથી, એટલે ત્યાં હું શાંતિથી રહી શકીશ."
યાદોનો સામનો કરવો છે અઘરો
મોહમ્મદ હાલ લંડનમાં ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરે છે, પણ તે જે ગાર્ડનમાં પોતાની દીકરીને રમાડતો હતો ત્યાં આજે પણ જઈ શકતો નથી. તેની દીકરીને જે રેસ્ટોરન્ટનું જમવાનું ભાવતું હતું ત્યાંથી તે ઓર્ડર લેવાનું પણ ટાળે છે. એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપે નોકરીની ઓફર કરી હતી, પણ યુકેના વિઝા માટે જરૂરી 42,000 પાઉન્ડની સેલેરી લિમિટ સેટ ન થતા તે પણ શક્ય બન્યું નથી.
હાલમાં મોહમ્મદ પોતાના વકીલ મારફતે યુકે સરકારના આ નિર્ણયને અપીલ કરવા જઈ રહ્યો છે. તેની માંગ માત્ર એટલી જ છે કે તેને માનવતાના ધોરણે થોડો સમય આપવામાં આવે. જો કોર્ટમાંથી રાહત નહીં મળે, તો આ કમનસીબ ગુજરાતી યુવાને પોતાના પ્રિયજનોની યાદો મૂકીને અનિચ્છાએ ભારત પરત ફરવું પડશે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
