તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
જ્યારે કોઈ બાળક અવાવરૂ સ્થાન ગટર વગેરે સ્થળેથી મળ્યાની જાણ થયે રીતસર ઊંડો આચંકો લાગે છેઃ અનુપમસિંહ ગેહલોત
દીકરીએ લક્ષ્મીનું દેવી સ્વરૂપ છે, તરછોડવાનું પાપ કરવાને બદલે સુરક્ષિત ભવિષ્ય આપોઃ સંધ્યાબેન ગેહલોત પોલીસે ઉછેરેલ હસ્તી બાળકી સહિત સુરતની ત્રણ બાળકીઓને કતારગામ અનાથાશ્રમ મારફત નવા માતા પિતા મળ્યાઃ ભરઉનાળે લાગણીના ઘોડાપૂર...

રાજકોટ, તા.૧: કતારગામ સ્થિત અનાથ આશ્રમમાં આજે ભાવુક દૃશ્યો સર્જાયા. CARA પોર્ટલની કાયદેસર પ્રક્રિયાથી શિશુગળહની ત્રણ માસૂમ દીકરીઓને મુંબઈ, કચ્છ-ભુજ અને સુરતના પરિવારોએ દત્તક લીધી. ત્રણ પરિવારોના આંગણે દીકરી સ્વરૂપે લક્ષ્મીજી પધારતા વાતાવરણ લાગણીસભર બન્યું.
ડિંડોલીની ‘હસ્તી' નામની બાળકીને મુંબઈનો પ્રેમાળ પરિવાર મળ્યો. નવા માતા-પિતાએ દીકરીઓને તેડી ત્યારે હાજર સૌની આંખો ભીની થઈ ગઈ. સરકારી તંત્ર અને શિશુગળહની ટીમની મહેનતથી ત્રણેય દીકરીઓને નવું ઘર અને ઉજ્જવળ ભવિષ્ય મળ્યું છે.
સંધ્યાબેન અનુપસિંહ ગેહલોતે જણાવ્યું કે દીકરી એ દૈવીય લક્ષ્મી સ્વરૂપ છે. તેમણે નાગરિકોને બાળકને તરછોડવાને બદલે શિશુગળહને સોંપવાની અપીલ કરી. પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણ અને ભારે આસ્થાનું કેન્દ્ર સુરત શહેર પોલીસ પરિવારની સભ્ય બનેલી બાળકી ‘હસ્તી' રહી હતી. હસ્તીને હવે મુંબઈના એક પરિવારે દત્તક લઈને પોતાની દીકરી બનાવી છે.હસ્તીની વિદાય વેળાએ સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોત અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે પોલીસ પરિવારની દીકરીનું કન્યાદાન કરી રહ્યા હોય તેવી પવિત્ર અનુભૂતિ થઈ રહી છે.
આ બાળકીની કહાની કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી. ૬ મહિના પહેલાની ઘટનાઃ કોઈ માતા પોતાનું પાપ છુપાવવા માટે આ નવજાત બાળકીને ડીંડોલી વિસ્તારમાં તરછોડીને જતી રહી હતી. ડીંડોલી પોલીસને કંટ્રોલરૂમ તરફથી કોલ મળતા જ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે બાળકી રડવાના બદલે પોલીસને જોઈને હસી રહી હતી. આ માસૂમિયત જોઈને પોલીસે તેને ‘પોલીસની દીકરી' બનાવી દીધી. પોલીસ કમિશનરના પરિવાર દ્વારા જ આ વ્હાલસોયી બાળકીનું નામ ‘હસ્તી' રાખવામાં આવ્યું હતું. ડીંડોલી પોલીસે સતત ૬ મહિના સુધી આ બાળકીની સગી દીકરીની જેમ દેખરેખ અને માવજત કરી હતી.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
