News of Sunday, 6th September 2026
' જે માતા-પિતાની ના થાય એ કોઈની ના થાય' : લાગણીમાં આવીને કોઈ પ્રતિક્રિયા ન આપો’! કિંજલ રબારી મુદ્દે માલધારી એકતા સમિતિની અપીલ
માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ સમાજના યુવાનો અને આગેવાનોને સંયમ જાળવવા અપીલ કરી

અમદાવાદ :બપોરના બે વાગ્યાનો સમય હતો. ચાંદખેડાનો વિસ્તાર. અને ત્યાં આવેલો CBD મોલ. જ્યાં લોકોની ચિક્કાર ભીડ હતી. કેમ કે રવિવારનો દિવસ હતો. ગુજરાતની ખ્યાતનામ સિંગર કિંજલ રબારી પોતાના પતિની (મુકેશ) સાથે ત્યાં ફિલ્મ જોવા માટે આવી હતી. કિંજલ રબારી છેલ્લા કેટલાય સમયથી લોકોની વચ્ચે દેખાઈ નહોતી. વળી થોડા મહિના પહેલા જ કિંજલ રબારીને લઈ ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા વિવાદની હજુ શાહી આછી એવી જ સૂકાઈ હતી. એવામાં એક ઘટના ઘટી ગઈ.
આ ઘટના ઘટી અમદાવાદના ચાંદખેડામાં. બપોરના બે વાગ્યે. કિંજલ ઊભી હતી અને તેનો પતિ પણ ત્યાં જ હતો. થોડી સેકન્ડ માટે કિંજલ અને તેનો પતિ આગળ આવ્યા. એવામાં એમની નજીકથી એક કાળા રંગની કાર પસાર થઈ. જે કિંજલ અને તેના પતિની પાસે આવી ઊભી રહી ગઈ. બંને ત્યાં ઊભા હતા. કિંજલના પતિને કદાચ વિશ્વાસ પણ નહીં હોય કે થોડી વારમાં જ તેની સાથે એક મોટો ખેલ ખેલાઈ જવાનો છે. કાર પાસે થોડો સમય ઊભા રહ્યા. ત્યાં પાછળ એક પેન્ટ અને શર્ટ પહેરેલો વ્યક્તિ ધીમેધીમે આગળ આવવા લાગ્યો. અને કિંજલનો પતિ કંઈ સમજે એ પહેલા જ તેને પકડી લીધો. બસ આ તકનો ફાયદો ઉઠાવી કિંજલે કારનું બારણું ખોલ્યું અને તેમાં બેસી ગઈ. કાર જેટલી ઓછી સ્પીડે ઊભી રહી હતી તેનાથી બમણી સ્પીડે નીકળી ગઈ. પેલો યુવક જેણે કિંજલના પતિને પકડીને રાખ્યો હતો તેણે તેને છોડી દીધો અને કારની ઉલટી દિશામાં દોટ મૂકી. કિંજલનો પતિ હેબતાઈ ગયો અને તેણે કારની પાછળ દોટ મૂકી. બસ આટલી જ ઘટના. આસપાસ ઊભેલા લોકો આખનું મટકુ મારે ત્યાં તો કંઈકનું કંઈક થઈ ગયું હતું!
2 વાગ્યા આસપાસ બનેલી આ ઘટના બાદ મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા કે કિંજલનું અપહરણ થયું છે. વાત માની ન શકાય એવી હતી. પણ અંતે જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે કિંજલનું કંઈ અપહરણ નહોતું થયું. એ પોતે જ કારનો દરવાજો ખોલી તેની અંદર મનમરજીથી સવાર થઈ હતી. પતિએ પોલીસને જાણ કરી. પોલીસ આવી અને સીસીટીવી તપાસ્યા તો અત્યાર સુધી જે કિંજલનું અપહરણ થયું હોય એવું માનવામાં આવતું હતું એ જ કિંજલ પોતાની મરજીથી કારમાં બેસી ચાલી ગયેલી હોય એવું ચોખ્ખું દેખાતું હતું. પહેલા સવાલો ઉઠ્યા અને ત્યારબાદ કન્ફર્મેશન પણ મળી ગયું.
સૌથી મોટી વાત એ હતી કે થોડી ક્ષણોમાં જ કિંજલનો એક વીડિયો સામે આવી ગયો. જેમાં તેણે પોતાના અપહરણની વાત ઉપર પાણી ઢોળી નાખ્યું. એ વીડિયોમાં કિંજલે વાત જ એવી કહી હતી. અને જે કહ્યું તે ચોંકાવનારું હતું.
વીડિયોમાં તેણે જણાવ્યું કે તેનું કોઈ અપહરણ થયું નથી અને તે પોતાની સ્વેચ્છાએ અશોકકુમાર ચૌધરી સાથે ગઈ છે. કિંજલના જણાવ્યા અનુસાર, તેણે 2 મે 2024ના રોજ અશોકકુમાર વાલાભાઈ ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતીય લગ્ન બાદ પરિવારને સમજાવવાના પ્રયાસો કર્યા હોવા છતાં પરિવાર સંમત નહોતો થયો. કિંજલે વધુમાં જણાવ્યું કે 10 માર્ચ 2026ના રોજ તે પોતાના પતિ અશોક સાથે ઘરેથી નીકળી હતી. ત્યારબાદ પિયરપક્ષના લોકોએ બંનેને પકડી લીધા હોવાનો અને અશોકને માર મારવામાં આવ્યો હોવાનો તેણે વીડિયોમાં આક્ષેપ કર્યો.
કિંજલે વીડિયોમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેને બળજબરીથી પિયર લઈ જવામાં આવી હતી. ત્યારબાદ રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવવામાં આવી હોવાનો પણ તેણે દાવો કર્યો છે. તેણે વધુમાં એવો આક્ષેપ કર્યો કે તેને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી અને તેની મરજી વિરુદ્ધ અન્ય પુરુષ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. કિંજલના જણાવ્યા મુજબ, ત્યાં તેના જીવને જોખમ હોવાનું લાગતાં તેણે ફરી પોતાના પ્રથમ પતિ અશોકનો સંપર્ક કર્યો હતો.
કિંજલે પોતાના વીડિયોમાં સ્પષ્ટ એ વાત સ્પષ્ટ કરી કે તે 6 સપ્ટેમ્બર 2026ના રોજ પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે ગઈ છે અને હાલ તેની સાથે સુરક્ષિત છે. તેણે પોલીસ અને પરિવારજનો સહિત તમામને આ મામલે કોઈ ખોટી ફરિયાદ કે કેસ ન કરવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, કિંજલ રબારીના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નનો વિવાદ અગાઉ પણ સામે આવ્યો હતો. અશોક ચૌધરી સાથેના લગ્ન બાદ બંને પરિવારો અને સમાજમાં વિવાદ થયો હતો. ત્યારબાદ બંનેને અલગ કરવાની પ્રક્રિયા થઈ હોવાના અહેવાલો આવ્યા હતા.
હવે કિંજલ ફરી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી પાસે પહોંચી હોવાનો વીડિયો સામે આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અગાઉના વિવાદ અને હાલના ઘટનાક્રમને જોતા પોલીસ તપાસમાં સમગ્ર હકીકત શું છે તે આગામી તપાસમાં વધુ સ્પષ્ટ થશે.
આ ઘટના બાદ માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ કિંજલ રબારીના મામલે માલધારી સમાજને સંયમ જાળવવા અપીલ કરી છે. નાગજીભાઈ દેસાઈએ સમાજના લોકોને આ ઘટનાથી અળગા રહેવા અને લાગણીમાં આવીને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન આપવા વિનંતી કરી છે. તેમણે માલધારી સમાજના યુવાનોને સંયમ રાખવા તેમજ સામાજિક આગેવાનોને પણ આ મામલામાં ન જોડાવા સૂચના આપી છે.
નાગજીભાઈ દેસાઈએ કહ્યું કે, ‘જે માતા-પિતાની ના થાય એ કોઈની ના થાય’ અને ‘જે લોહીનું ના થાય એ કોઈનું ના થાય.’ સમાજમાં કોઈપણ પ્રકારની અશાંતિ ન સર્જાય અને શાંતિ જળવાઈ રહે તે માટે માલધારી એકતા સમિતિ દ્વારા સૌને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
