<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

કડીના જાણીતા થોળ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરના દૂષિત પાણી રસ્તા પર પાણી ફરી વળતા નાગરિકોમાં ભારે રોષ

ગટરના ગંદા પાણી સ્થાનિક હનુમાનજી મંદિરના પટાંગણમાં પણ ભરાઈ જતા પાણીના કારણે ભારે દુર્ગંધ ફેલાતા દર્શનાર્થીઓ અને ભક્તોમાં ભારે નારાજગી

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ચોમાસા પહેલા જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કડીના જાણીતા થોળ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરના દૂષિત પાણી રસ્તા પર પાણી ફરી વળતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે આ સમસ્યાની ગંભીરતા ત્યાં વધી જાય છે જ્યારે આ ગટરના ગંદા પાણી સ્થાનિક હનુમાનજી મંદિરના પટાંગણમાં પણ ભરાઈ ગયા છે. જેના કારણે મંદિરમાં આવતા ભાવિ ભક્તોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મંદિર પરિસરમાં ગટરના પાણીના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના લીધે દર્શનાર્થીઓ અને ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

 

 

મહત્વનું છે કે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. રસ્તાઓ પર ફરી વળેલા આ પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બીજી તરફ ગટરના પાણી સતત બહાર ઉભરાઈ આવતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો રોગચાળો ફેલાશે તો તેનું જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે

(4:15 PM IST)