તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
વલસાડના કપરાડામાં લગ્નનો હરખ માતમમાં ફેરવાયો : આણું પતાવી પરત ફરતા પરિવારની પીકઅપ વાન પલટી જતાં 6 ના મોત અને 10 ગંભીર
વીરક્ષેત્રના ચઢાણ પર બ્રેક ફેઈલ થતા 28 મુસાફરો ભરેલી પીકઅપ ગુલાંટ ખાઈ ગઈ : ગિરનારા ગામના પરિવારના સભ્યો ચીસાચીસ પાડી ઉઠ્યા અને ગ્રામજનો સહિત 108 ની ટીમે ઘટનાસ્થળે પહોંચી લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા

વલસાડ : ખુશીઓના પ્રસંગમાં અચાનક કાળનો પંજો ફરી વળતા વલસાડના કપરાડા પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. લગ્ન બાદ આણું વળાવવાની પવિત્ર વિધિ પૂર્ણ કરીને હર્ષોલ્લાસ સાથે ઘરે પરત ફરી રહેલા એક આદિવાસી પરિવારને રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. કપરાડાના વીરક્ષેત્ર પાસે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં મુસાફરો ભરેલી પીકઅપ વાન પલટી જતાં ઘટનાસ્થળે જ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ છે.
ઘટનાની વિગતવાર વિગતો મુજબ, કપરાડા તાલુકાના ગિરનારા ગામનો એક પરિવાર પોતાના સ્વજનના લગ્ન પ્રસંગ અંતર્ગત કોલવેરા ગામે આણું વાળવા માટે ગયો હતો. તમામ પ્રસંગો અને વિધિઓ સુખરૂપ પતાવીને પરિવારના સભ્યો અને સંબંધીઓ મળી કુલ 28 જેટલા મુસાફરો પીકઅપ વાનમાં સવાર થઈને પોતાના વતન ગિરનારા પરત ફરી રહ્યા હતા. દરમિયાન, માર્ગમાં આવતા વીરક્ષેત્ર નજીકના એક ઉભા ચઢાણ પર અચાનક વાનની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ઢાળ પર વાહન પરનો કાબૂ ગુમાવતા પીકઅપ વાન જોરદાર ધડાકા સાથે પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માત એટલો ભીષણ હતો કે વાન નીચે દબાઈ જવાને કારણે 6 મુસાફરોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જાતા જ માર્ગ પર મરણચીસો સંભળાવા લાગી હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે પણ સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને વાનમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા ઈજાગ્રસ્તો પૈકી 10 લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એક તરફ લગ્નની ખુશીઓ હતી ત્યાં બીજી તરફ એકસાથે 6 અર્થિઓ ઉઠવાની ઘટનાથી ગિરનારા ગામ સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
