<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

બાપુની ટિપ્પણીનો જવાબ નહીં આપીએ :ઉમિયા માતાજી સંસ્થાન કોઈ રાજકીય સંસ્થા નથી: સંસ્થાન સમાજના હિત અને વિકાસ માટે પ્રતિબદ્ધ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક નિવેદનને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા વચ્ચે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ એમ.એસ. પટેલે મહત્વનું નિવેદન આપ્યું :પાટીદાર સમાજની મહેનત: અનામત સહિતના મુદ્દે બંધારણ પ્રત્યેની આસ્થા અને સંસદના નિર્ણયના પાલનની વાત પણ તેમણે કરી

અમદાવાદ :પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક નિવેદનને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા વચ્ચે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ એમ.એસ. પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ઉમિયા માતાજી સંસ્થાન કોઈ રાજકીય સંસ્થા નથી અને સંસ્થાનનો મુખ્ય ઉદ્દેશ સમાજલક્ષી કામગીરી કરવાનો છે.

શંકરસિંહ વાઘેલાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા એમ.એસ. પટેલે સીધો રાજકીય જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે સંસ્થાનને રાજકીય વિવાદમાં પડવામાં રસ નથી. સંસ્થાન સમાજના હિત અને વિકાસ માટે કાર્ય કરે છે અને તેને કોઈ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે જોડવું યોગ્ય નથી.

એમ.એસ. પટેલે પાટીદાર સમાજની મહેનત અને સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સમાજે પોતાની મહેનતથી અનેક ક્ષેત્રોમાં સ્થાન બનાવ્યું છે. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ મહેનત કરવામાં ક્યારેય પાછો પડતો નથી. આજે પણ સમાજના કેટલાક પરિવારો પરંપરાગત રીતે પશુઓનું મેલું ઉપાડવા સહિતના કામ સાથે જોડાયેલા છે, જે સમાજના સંઘર્ષની તસવીર રજૂ કરે છે.

અનામતના મુદ્દે પણ એમ.એસ. પટેલે સંસ્થાન અને સમાજનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજ બંધારણને માનનારો સમાજ છે. દેશમાં અનામત સહિતના મહત્વના મુદ્દાઓ અંગે બંધારણીય વ્યવસ્થા અને લોકશાહી પ્રક્રિયાને માન આપવી જોઈએ તેવી વાત તેમણે કરી હતી.

એમ.એસ. પટેલે વધુમાં કહ્યું કે દેશની સંસદ જે નિર્ણય લે છે, તેનો સમાજ દ્વારા અમલ કરવામાં આવે છે. આ સાથે તેમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે ઉમિયા માતાજી સંસ્થાન કોઈ રાજકીય સંસ્થા નથી અને રાજકીય નિવેદનોના જવાબ આપવાનું તેનું કાર્યક્ષેત્ર નથી. શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ એમ.એસ. પટેલની આ સ્પષ્ટતા ચર્ચામાં આવી છે.

(5:44 PM IST)