તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
પાટણના સાંતલપુરમાં પણ જળબાંબકરની સ્થિતિ: બરારા ગામમાં વરસાદી પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાયું
તાલુકા પંચાયત સદસ્ય JCB અને અન્ય વાહનો લઈને લોકોની મદદે પહોંચ્યા:બરારા અને દાત્રાણા ગામને જોડાતા માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહારને ગંભીર અસર

પાટણના સાંતલપુરમાં પણ જળબાંબકરની સ્થિતિ છે. સાંતલપુરના બરારા ગામમાં વરસાદી પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાયું છે. તાલુકા પંચાયત સદસ્ય JCB અને અન્ય વાહનો લઈને લોકોની મદદે પહોંચ્યા હતા. બરારા અને દાત્રાણા ગામને જોડાતા માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહારને ગંભીર અસર પહોંચી હતી.
અવિરત વરસેલા વરસાદને કારણે બરારા અને દાત્રાણા ગામને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગ પર ઘૂંટણસમા અને કેટલાક સ્થળે કમરપૂર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને આસપાસના ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. ઘરો અને શેરીઓમાં પાણી ફરી વળતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને ગ્રામજનો મદદે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પંચાયતના સદસ્ય પોતે JCB અને અન્ય વાહનો સાથે બરારા ગામમાં પહોંચ્યા હતા. તેમણે પૂર જેવા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને રસ્તા પરનો કચરો દૂર કરી પાણીના નિકાલની કામગીરીમાં સીધી મદદ પૂરી પાડી હતી.
હાલમાં ગ્રામજનો દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર પાસે તાત્કાલિક સહાયની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ, હવામાન વિભાગની આગાહીને પગલે સ્થાનિક તંત્રને પણ એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
