News of Thursday, 2nd July 2026
વલસાડમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ : નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘુસ્યા
ભારે વરસાદથી રેલવે અંડરપાસ બંધ કરવા પડ્યા: ઘૂંટણ સમા પાણીમાં વાહનો ફસાઈ જતાં ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. વલસાડમાં ભારે વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં શહેરમાં 71 મિ.મી (2.8 ઈંચ) વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદના કારણે વલસાડમાં ચોતરફ પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી.
વલસાડના શીપવાડ અને મોગરાવાડી રેલવે અંડરપાસને પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવો પડ્યો હતો. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડવાસીઓ લાંબુ ચક્કર કાપીને શહેરની બહાર જવા માટે મજબૂર બન્યા હતા.
આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થવાના કારણે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે લોકોને ઘરવખરી તેમજ દુકાનમાં માલ સામાનને નુક્સાન પહોંચ્યું છે. ઘણી જગ્યાએ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થતી વખતે વાહનો બંધ પડી જતાં લોકોને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
