<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

સાણંદના રેથળ ગામમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર :નળસરોવરને જોડતો મુખ્ય હાઈવે પાણીમાં ડૂબી જવાથી સંપર્ક કપાયો

ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થયા: ચારેય તરફ ફેલાયેલી જળબંબાકારની સ્થિતિ

સાણંદ પંથકમાં વરસાદી પાણીના નિકાલના અભાવે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રેથળ ગામની અંદર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ચારેય તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સ્થાનિક રહીશોને રોજિંદી અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સાણંદથી પ્રખ્યાત નળસરોવરને જોડતો મુખ્ય હાઈવે માર્ગ વરસાદી પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. આ માર્ગ પાણીમાં ડૂબી જવાના કારણે વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે અને અનેક વાહનો રસ્તા વચ્ચે ફસાઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ડ્રેનેજ કે પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પાણી ભરાવાની ગંભીર સમસ્યા માત્ર રસ્તાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ખેતી પર પણ તેની વ્યાપક અસર પડી છે. રેથળ ગામના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો સંપૂર્ણ ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. અતિભારે પાણીના કારણે તૈયાર પાક બગડી જવાથી ખેડૂતોની આખી વર્ષની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે અને ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.

ગામની અંદર પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના ઘરોમાં જ કેદ જેવા બન્યા છે. પીવાના પાણી અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અસરગ્રસ્ત લોકો દ્વારા ત્વરિત ધોરણે પંપ મૂકીને પાણી બહાર કાઢવામાં આવે અને પાક નુકસાન અંગે યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઉપરદળ ગામમાં ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી ભરાઈ જતાં સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. દર વર્ષે ચોમાસામાં ગામલોકોને આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને નિરાશા ફેલાઈ છે.

(10:38 PM IST)