News of Tuesday, 12th May 2026
અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું: ઝાલા-ઉલ્ટીના કેસમાં વધારો :પાણી જગના એકમો સીલ
પ્રદૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોને કારણે ફેલાતા આ રોગચાળાને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું

અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. મે મહિનાની શરૂઆત સાથે જ શહેરમાં ઝાડા-ઉલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રદૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોને કારણે ફેલાતા આ રોગચાળાને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા હાલના આંકડા મુજબ, મે મહિનાના શરૂઆતના દિવસોમાં જ ઝાડા-ઉલટીના 217 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત, તાવ અને ગંભીર ચેપના ગણાતા ટાઈફોઈડના 41 અને કમળાના 10 નવા કેસ સામે આવ્યા છે. રોગચાળાના આ વધતા વ્યાપને પગલે સિવિલ અને મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને પીવાના પાણીના જગ સપ્લાય કરતા એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે. તપાસ દરમિયાન પાણીના જગ સપ્લાય કરતા બે એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, કારણ કે તેમના પાણીના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેઈલ થયા હતા. મે મહિનામાં અત્યાર સુધી 9 અલગ-અલગ સ્થળોના સેમ્પલ 'અનફિટ' જાહેર કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા દરરોજ શહેરના 31 અલગ-અલગ સ્થળોએથી પાણીના રૂટિન સેમ્પલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં લેવામાં આવેલા સેમ્પલમાંથી કુલ 76 સેમ્પલ બિનઆરોગ્યપ્રદ અથવા 'અનફિટ' સાબિત થયા છે. આ બાબત સૂચવે છે કે અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ અથવા ગટરના પાણી ભળવાની સમસ્યા હોઈ શકે છે. આ વિસ્તારોમાં ક્લોરિનેશનની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે.
ઉનાળામાં ઠંડા પીણાં અને બરફની માંગ વધતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બરફની 19 ફેક્ટરીઓ તેમજ શેરડીના રસ, ગોળા અને ઠંડા પીણાંના વેચાણ કેન્દ્રો પર તપાસ કરવામાં આવી રહી છે. ખાણી-પીણીની લારીઓ પર વપરાતા બરફની ગુણવત્તા ચકાસવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. તંત્રએ નાગરિકોને પણ ઉકાળેલું પાણી પીવા અને બહારના ખુલ્લા કે અશુદ્ધ ખોરાકથી દૂર રહેવા અપીલ કરી છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
