તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
તાપીના વાલોડના દાદરિયા ગામે આવેલી સુગર મિલમાં પાણીની ટાંકી અચાનક ધરાશાયી :બે વ્યક્તિ લાપતા હોવાની આશંકા
ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું: ટાંકીનું સમારકામ કરાયું હોવાની ચર્ચા વચ્ચે દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામે આવેલી સુગર મિલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુગર મિલની પાણીની વિશાળ ટાંકી અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંજના અરસામાં બનેલી આ ઘટનામાં બે વ્યક્તિ લાપતા થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, દાદરિયા ગામની સુગર મિલમાં આવેલી પાણીની ટાંકી સાંજના સમયે અચાનક તૂટી પડી હતી. ટાંકી ધરાશાયી થવાની ઘટના એટલી ગંભીર હતી કે મિલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે મિલના કર્મચારીઓ અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ટાંકી ધરાશાયી થવાના કારણે બે વ્યક્તિ લાપતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે ઘટનાની ગંભીરતા વધી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. લાપતા વ્યક્તિઓની શોધખોળ માટે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાં કોઈ વ્યક્તિ ફસાઈ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, સુગર મિલના સત્તાધીશો પણ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી ગયા હતા. બચાવ કામગીરી અને ઘટનાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્ત્વની બાબત એ સામે આવી છે કે પાણીની ટાંકીનું તાજેતરમાં જ સમારકામ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. સમારકામ બાદ પણ ટાંકી અચાનક ધરાશાયી થતાં તેની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જોકે, ટાંકી કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
ઘટનાને પગલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસની શરૂઆત કરવામાં આવી છે. ટાંકીની બાંધકામ સ્થિતિ, તાજેતરમાં કરવામાં આવેલા સમારકામ અને દુર્ઘટના પાછળનાં સંભવિત કારણોની તપાસ કરવામાં આવશે. હાલ સૌની નજર રેસ્ક્યૂ ઓપરેશન પર છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
