<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

સાવલીમાં મતદાનની ગોપનીયતાના લીરેલીરા: કોંગ્રેસને મતદાન કરતો ફોટો વાયરલ થતાં ભારે હોબાળો

પોલિંગ બૂથની અંદરની ગંભીર બેદરકારી સામે આવતા ચૂંટણી તંત્રની કામગીરી પર સવાલોના ઘેરા

 વડોદરા:  ગુજરાતમાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વડોદરાના સાવલી ખાતેથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. મતદાન મથકની અંદર મતદાનની ગોપનીયતા જળવાવી જોઈએ તે નિયમનો સરેઆમ ભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સાવલીમાં કોંગ્રેસના ઉમેદવારને મતદાન કરવામાં આવ્યું હોય તેવો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે.

 શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી વિધાનસભા મતવિસ્તારના એક મતદાન મથક પર મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે કોઈ વ્યક્તિએ મતદાન મશીન (EVM) પર કોંગ્રેસના ઉમેદવારના ચિન્હ સામે વોટ આપી રહ્યા હોય તેવો ફોટો પાડી લીધો હતો. આ ફોટો ક્ષણવારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં, આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ તે પ્રશ્ન સૌના મનમાં ઉઠી રહ્યો છે.

 ચૂંટણી પંચની કામગીરી સામે આંગળી ચીંધાઈ

ચૂંટણી પંચ દ્વારા મતદાનની ગુપ્તતા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવતી હોય છે. પોલિંગ બૂથની અંદર મોબાઈલ કે કેમેરા લઈ જવા પર સખત મનાઈ હોય છે, છતાં આ કિસ્સાએ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. વિપક્ષ દ્વારા આ ઘટનાને લઈને ચૂંટણી તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને આ બાબતે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.

*

(1:47 PM IST)