<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 ટકા વ્યાજ વસૂલતા વિશાલ દેસાઈ સહિત 4 આરોપીઓની ધરપકડ

20 લાખના બદલામાં 26 લાખનું વ્યાજ, 12 લાખ ટ્રાન્સફર, ગાડી અને દાગીના પડાવી આરોપીઓ ફ્લેટ લખાવી લેવા ધમકી આપતા

અમદાવાદ શહેરમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને વ્યાજખોરીના વધી રહેલા દૂષણ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઊંચા વ્યાજ દરે નાણાં આપી લોકોનું શોષણ કરતા અને ધાકધમકી આપતા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ સામાન્ય નાગરિકો પાસેથી દર મહિને 10 ટકા જેટલું જંગી વ્યાજ વસૂલતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

 

આ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયા બાદ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે છટકું ગોઠવી વિશાલ દેસાઈ, વિક્રમ દેસાઈ, આયુષ દેસાઈ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

 

પ્રાથમિક વિગતો અનુસાર, ફરિયાદીની કંપનીના માલિકે આ આરોપીઓ પાસેથી વ્યવસાય અર્થે 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સમયસર નાણાંની ચૂકવણી ન થઈ શકતાં આરોપીઓએ ઉઘરાણીના નામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ છેલ્લા 2 વર્ષમાં માત્ર વ્યાજ પેટે જ ફરિયાદી પાસેથી 26 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત દબાણ કરીને બે અલગ અલગ બેંકોમાં 12 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરાવી લીધા હતા.

 

 

વ્યાજખોરોનો આતંક એટલી હદે વધી ગયો હતો કે તેઓ ફરિયાદીના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં જઈને પરિજનો સાથે મારઝૂડ કરી ઘરમાં રહેલા સોના-ચાંદીના કિંમતી દાગીના બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. એટલું જ નહીં, ફરિયાદી પાસેથી લખાણ કરાવીને તેમની મોંઘી ગાડી પણ પડાવી લીધી હતી.

 

લાખો રૂપિયાનું વ્યાજ અને ગાડી પડાવી લીધા બાદ પણ આરોપીઓ સંતોષાયા ન હતા. તેઓ ફરિયાદીનો રહેણાંક ફ્લેટ પણ પોતાના નામે લખાણ કરી આપવા માટે જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી રહ્યા હતા. અંતે ત્રાસથી કંટાળીને ભોગ બનનારે પોલીસનો આશરો લીધો હતો. હાલમાં બોપલ પોલીસ સમગ્ર નેટવર્ક અને અન્ય કોઈ ભોગ બનનાર છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

 

(7:39 PM IST)