News of Saturday, 25th July 2026
ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણીના પ્રવાહને કારણે વિરમગામ-માલવણ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો
હાઈવે પર બંને બાજુથી માલવાહક ટ્રકો અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી: તંત્રની બેદરકારી સામે રોષ

વિરમગામ-માલવણ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે માર્ગ પર વાહનોની અવરજવર જોખમી બની છે. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિરમગામ-સાણંદ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે અને સંભવિત જોખમને ટાળવા માટે તંત્ર દ્વારા આ હાઈવેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
રસ્તાઓ બંધ થવાને કારણે હાઈવે પર બંને બાજુથી માલવાહક ટ્રકો અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. અચાનક માર્ગ બંધ થવાના કારણે સેંકડો ટ્રક ડ્રાઈવરો અને મુસાફરો છેલ્લા 24 કલાકથી રસ્તામાં જ અટવાઈ પડ્યા છે. આપત્તિજનક સ્થિતિ વચ્ચે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
હાઈવે પર કલાકોથી ફસાયેલા ટ્રક ડ્રાઈવરો અને મુસાફરો માટે તંત્ર દ્વારા ખાવા-પીવાની કે જમવાની કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ભૂખ્યા-તરસ્યા ડ્રાઈવરોમાં ભારે હાલાકી અને રોષ જોવા મળી રહ્યો છે. અટવાવાયેલા વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અને વહેલી તકે મદદ પહોંચાડવાની માંગ કરી રહ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ આપત્તિજનક સમયમાં બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે અને સુરક્ષિત સ્થળો પર જ રહે. પૂરના પાણી ઓસર્યા બાદ જ રસ્તાઓ પૂર્વવત શરૂ કરવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે, ત્યાં સુધી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
