<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

વિરમગામ-અમદાવાદ હાઇવે પર મોટું ડિમોલિશન:ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું :3 ધાર્મિક દબાણો અને 7 દુકાનો દૂર કરાયા

આશરે 3,500 સ્ક્વેર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાઈ:પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી ચાલુ

અમદાવાદ-વિરમગામ હાઈવે પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને વિરમગામ હાઈવે પર વહેલી સવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 3 ધાર્મિક દબાણો અને 7 દુકાનો દૂર કરવામાં આવી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની હાજરીમાં તંત્રની મોટી કામગીરી સામે આવી છે જેમાં વિરમગામ રોડ પર આવેલ રૈયાપુર વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર બાંધકામ કરવામાં આવતા બુલડોઝર ફરી વળ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 3 દરગાહ અને 7 દુકાનોના દબાણો હટાવવામાં આવ્યા છે. આશરે 3,500 સ્ક્વેર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી ચાલુ છે.

   વિરમગામ શહેર અને અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ અને રસ્તાઓ પહોળા કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિરમગામથી લઈને તિરંગા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર રસ્તાને ભારે અડચણરૂપ એવા તમામ નાના-મોટા ધાર્મિક દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહેલી સવારથી જ વિરમગામ સહિત આજુબાજુના તમામ પોલીસ મથકોમાંથી 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

(1:24 PM IST)