<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

અમદાવાદના કુબેરનગર મતદાન મથકમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી : પોલીસે મામલો થાળે પાડ્યો

મતદાન મથકમાં બંને પક્ષના કાર્યકરો આમને-સામને આવી જતાં ગાળાગાળી, પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી છૂટા પાડ્યા; ઘટના બાદ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ફરી શરૂ

અમદાવાદ તા.૨૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 દરમિયાન અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા મતદાન મથકમાં રવિવારે બબાલ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં માહોલ ગરમાયો હતો.

 

પ્રાપ્ત માહિતી મુજબ, કુબેરનગરની એક પ્રાથમિક શાળાના મતદાન મથકમાં બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. કોઈ મુદ્દે બંને પક્ષના કાર્યકરો વચ્ચે શાબ્દિક તકરાર થઈ હતી, જે ઉગ્ર બનીને ગાળાગાળી સુધી પહોંચી હતી. મતદાન મથકની અંદર જ કાર્યકરો આક્રમક બનતાં ત્યાં હાજર મતદારોમાં પણ દોડધામ મચી ગઈ હતી.

 

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને બંને પક્ષના કાર્યકરોને છૂટા પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસની દરમિયાનગીરી બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

 

પોલીસ દ્વારા મતદાન મથક ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટના બાદ થોડા સમય માટે ખોરવાયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ફરી શરૂ કરાવવામાં આવી છે. હાલ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. 

 

ચૂંટણી તંત્ર દ્વારા તમામ રાજકીય પક્ષોના કાર્યકરોને શાંતિ જાળવવા અને લોકશાહીના પર્વને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

(2:07 PM IST)