તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
સાબરકાંઠાના ગાડી વોકડા ગામે ડાકણના વ્હેમમાં હિંસક હુમલો: વિજ્ઞાનજાથા દ્વારા કુપ્રથા નાબૂદીની માંગ

રાજકોટ: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વોકડા ગામમાં અંધશ્રદ્ધાની એક કરૂણ ઘટના સામે આવી છે. ગામમાં મનુભાઈ ડામોરની પત્ની ડાકણ હોવાની અને તેના કારણે ઘરમાં બીમારી તથા બેરોજગારી આવતી હોવાની દ્રઢ શંકા રાખી સામા પક્ષના લોકોએ ધોકા, પાઈપ, પથ્થર અને લાકડીઓ સાથે સામુહિક હુમલો કર્યો હતો. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ મનુભાઈ ડામોર પર કુહાડીથી ઘાતકી હુમલો કરાતા, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ મામલે ચિઠોડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ૮ પુરુષ અને ૪ મહિલાઓ સહિત કુલ ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે. પાલ અને ચિઠોડા પોલીસ સ્ટેશન દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બંને પરિવારો વચ્ચે ઝઘડો આગળ ન વધે તે માટે 'ભારત જન વિજ્ઞાન જાથા'ની ટીમે સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. જાથાના ચેરમેન અને એડવોકેટ શ્રી જયંત પંડ્યાએ મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી પોલીસ રક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ જાથાની ટીમ જેમાં જયંત પંડ્યા, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ અને રોમિત રાજદેવ સામેલ હતા, તેઓ ચિઠોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મેડમ આર. ડી. તરાલને સાથે રાખીને ગાડી વોકડા ગામે પહોંચ્યા હોવાનું જાથાએ એક યાદીમાં જણાવ્યું છે.
આ લેખિત યાદી મુજબ ત્યાં પહોંચીને વિજ્ઞાન જાથાની ટીમે ભોગ બનનાર ડામોર પરિવારની મુલાકાત લઈ મૃતક મનુભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરિવારની પુત્રવધૂ રેણુકા ડામોર અને ભત્રીજા દિનેશ ડામોરે હુમલાનો ભયાનક ચિતાર આપ્યો હતો, જ્યારે ગામના સરપંચ નાગજીભાઈ નિનામાએ આરોપીઓને સખ્ત સજા કરવાની માંગ કરી હતી. બીજી તરફ, સામા પક્ષના લોકો ઘર બંધ કરીને અન્યત્ર ચાલ્યા ગયા હતા, પરંતુ જાથાએ તેમની સાથે પણ સેતુ બાંધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પોતાની મોટી ભૂલ બદલ અફસોસ અને આઘાત વ્યક્ત કર્યો હતો. આ અંતરિયાળ વિસ્તારમાં રવિ પરબતાણી અને રોમિત રાજદેવે પત્રિકા વિતરણ કરીને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા સમજાવ્યું હતું.
એડવોકેટ જયંત પંડ્યાએ આ લેખિત પ્રેસ યાદીમાં જણાવ્યું કે, ૨૧મી સદીમાં પણ મહિલાઓ પર ડાકણનો આરોપ મૂકી અત્યાચાર ગુજારવાની માનસિકતા સમાજ માટે કલંકરૂપ છે. સરકાર અને લોકસમૂહે સાથે મળીને આ કુપ્રથા નાબૂદ કરવા અસરકારક પગલાં ભરવા પડશે. જાથા આ અંગે સરકારને કડક રજૂઆત કરશે. આ મુલાકાત દરમિયાન જાથાની ટીમે રાજ્યના ડી.જી.પી., ગાંધીનગર રેન્જ આઈ.જી.પી., સાબરકાંઠા કલેક્ટર, ડીવાય.એસ.પી. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર પી.આઈ. મેડમ તરાલનો આભાર માન્યો હતો. હિંમતનગરમાં જાથાના પ્રશંસક પંકજભાઈ ધુવાડ અને રેશનાલીસ્ટ રોહિત દરજી (કર્મ)ની પણ ટીમે
મહત્વની કાનૂની ચેતવણી: ડાકણ શબ્દનો પ્રયોગ કરવો એ કાનૂની અપરાધ છે. રાજ્યમાં કોઈપણ મહિલાના સામાજિક બહિષ્કારના કિસ્સામાં જાણકારી કે પુરાવા આપવા માટે વિજ્ઞાન જાથાના મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૧૬૬૮૯ પર સંપર્ક કરવા જાથા દ્વારા જણાવાયું છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
