<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

સાગબારા તાલુકાના ખૈરપાડા ગામમાં દારૂના દુષણને ડામવા ગ્રામજનોએ પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી

બહાર ગામના વ્યક્તિઓ દારૂના નશા માટે અહીં આવતા હોય ગામમા અશાંતિ અને વાદ વિવાદ સર્જાય છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:સાગબારા તાલુકાના ખૈરપાડા ગામના ગ્રામજનો સાગબારા પોલીસ મથકે પહોંચી ગામમાં દારૂના દુષણને ડામવા લેખિત અરજી આપવામાં આવી હતી.ગામના જ આવલીકુંડ ફળિયામાં દારૂના વેચાણને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતના આગેવાનો અને પંચો એ આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.
   આપવામાં આવેલ અરજી પ્રમાણે છેલ્લા 10 વર્ષથી ખૈરપાડા ગામમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ છતાં આવલીકુંડ ફળિયામાં દેશી, વિદેશી અને કેમિકલયુક્ત ભેળસેળવાળા દારૂનું વેચાણ ખુલ્લેઆમ થતું હોવાનો આક્ષેપ કર્યો છે.જેના કારણે બહાર ગામના વ્યક્તિઓ દારૂના નશા માટે અહીં આવતા હોય ગામમા અશાંતિ અને વાદ વિવાદ સર્જાય છે.
ગામના આગેવાનો અને પંચો દ્વારા દારૂના ઉત્પાદન અને વેચાણ બંધ કરવા માટે વારંવાર જણાવવા છતાં કોઈજ અસર થતી ન હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે ગામમા કાયમી ધોરણે દારૂનું ઉત્પાદન અને વેચાણ બંધ થાય અને કાયદા હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કે સાગબારા પોલીસ આ અરજીના આક્ષેપોની તપાસ ક્યારે હાથ ધરે છે અને દારૂના ગેરકાયદેસર રીતે વેચાણ અને ઉત્પાદન કરતા બુટલેગરો સામે ક્યારે અને કેવા કાયદાકીય પગલાંઓ ભરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
અરજીમાં કેટલાક નામજોગ વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ગામમાં દારૂનું ઉત્પાદન અને વેચાણ કરે છે. જેમાં ભીમસિંગ સાંગા વસાવા, રવિદાસ દાસુ વસાવા અને વિષ્ણુ દાદાન્ય વસાવા તમામ રહે, આવલીકુંડ તા,સાગબારાનો સમાવેશ થાય છે. ત્યારે જો ગ્રામજનો નામજોગ અરજી આપતા હોય ત્યારે પોલીસ કેટલીહદે આ બાબતે કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું.
બોક્સ: જોકે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અહીંયા ઘણા લાંબા સમયથી દારૂ બંધ છે, અને મહારાષ્ટ્ર બોર્ડર નજીક હોય ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાણ થતો હોવાથી આ ગામના કોઈ વ્યક્તિઓ ત્યાંથી નશો કરીને આવે તો કેટલાક લોકો એમ માને છે કે દારૂ ગામમાં જ વેચાઈ છે. બાકી અમે તપાસ કરતાં કંઇ મળી આવ્યું નથી

(10:26 PM IST)