તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સાબરકાંઠાના વિજયનગર પંથકમાં ડાકણના વહેમમાં ટોળાએ ઘરમાં ઘુસી આધેડની હત્યા કરી : અન્ય બે લોકોને ગંભીર ઇજા
હિંસક ઘટનામાં સંડોવાયેલા 4 મહિલાઓ સહિત કુલ 12 લોકો સામે નામજોગ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા

સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. વિજયનગર તાલુકાના અંતરિયાળ એવા ગાડી વાકડા ગામે ડાકણના વ્હેમમાં એક નિર્દોષ વ્યક્તિને પોતાની જિંદગી ગુમાવવી પડી છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, વિજયનગરના ગાડી વાકડા ગામે રહેતા એક પરિવાર પર સ્થાનિક લોકોએ ડાકણ હોવાનો વ્હેમ રાખ્યો હતો. આ વ્હેમ ધીમે-ધીમે એટલો હિંસક બની ગયો કે એક મોટું ટોળું હથિયારો સાથે તે પરિવારના ઘર તરફ ધસી ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ સૌપ્રથમ ઘર પર ભારે પથ્થરમારો કર્યો હતો, જેના કારણે ઘરના સભ્યો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા.
પથ્થરમારા બાદ પણ ટોળાનો ગુસ્સો શાંત થયો નહોતો. ટોળામાં સામેલ કેટલાક અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને તિક્ષ્ણ હથિયારો વડે પરિવાર પર સીધો હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં 50 વર્ષીય આધેડ વયની વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ લોહિયાળ ખેલની જાણ થતાં જ વિજયનગર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હિંસક ઘટનામાં સંડોવાયેલા 4 મહિલાઓ સહિત કુલ 12 લોકો સામે નામજોગ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગામમાં વધુ કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
