તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતમાં વિજય પરમારને ફરજ મુક્ત કરાયો : ભ્રષ્ટ્રાચાર બદલ આકરી કાર્યવાહી
VCE વિજય પરમાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને નિયત ફી કરતા અનેકગણી રકમ વસૂલી રહ્યો હતો:ભ્રષ્ટાચારના પૂરાવા મળતા જ તાલુકા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા

દાહોદ જિલ્લાના ફતેપુરામાં જનતા પાસેથી ભ્રષ્ટ કર્મચારી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ભ્રષ્ટાચારના વાયરલ વીડિયો અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી અન્ય કર્મચારીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી ભ્રષ્ટાચારના અહેવાલે વહીવટી તંત્રને જગાડવાનું કામ કર્યું છે. ફતેપુરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) વિજય પરમાર દ્વારા જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. સામાન્ય રીતે જન્મના દાખલા જેવી પાયાની સેવાઓ માટે સરકાર દ્વારા નિયત કરેલી નજીવી ફી અથવા મફત સેવાના બદલે, વિજય પરમાર લોકો પાસેથી બિન્દાસ રીતે ૨૦૦ રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ ગેરકાયદેસર ઉઘરાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર પંચાયત આલમમાં હોબાળો મચી ગયો હતો.
અહેવાલો પ્રસારિત કરવામાં આવતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી (TDO) તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. TDOના આદેશાનુસાર આ પ્રકરણમાં તટસ્થ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એ બાબત સાબિત થઈ હતી કે VCE વિજય પરમાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો હતો અને નિયત ફી કરતા અનેકગણી રકમ વસૂલી રહ્યો હતો. ભ્રષ્ટાચારના પૂરાવા મળતા જ તાલુકા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. જેના પગલે ફતેપુરા તલાટી કમ મંત્રી દ્વારા ભ્રષ્ટ કર્મચારી વિજય પરમારને તાત્કાલિક અસરથી ફરજ પરથી મુક્ત કરતો લેખિત હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આકરી કાર્યવાહીના કારણે પંચાયત વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે સેવાઓ જનતાને સરળતાથી અને નજીવા દરે મળવી જોઈએ, તેના માટે લૂંટ ચલાવતા તત્વો સામે આ એક ચેતવણી સમાન કિસ્સો છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવે, તો તંત્રએ પણ નમવું પડે છે અને કસૂરવારોને સજા ભોગવવી પડે છે. હવે ફતેપુરા પંચાયતમાં ફરી એકવાર પારદર્શક વહીવટની આશા જાગી છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
