<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ગુજરાતભરમાં ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે "સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬" ની ભવ્ય ઉજવણી કરાશે : ૩૧ ઑક્ટોબરથી શરૂ થનાર અભિયાનનું મુખ્ય સૂત્ર 'સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ' રાખવામાં આવ્યું

રાજ્યના તમામ વિભાગો, બોર્ડ-નિગમો અને કચેરીઓમાં ૨ નવેમ્બરે લેવાશે ફરજ પ્રત્યે નિષ્ઠાના શપથ : ગ્રામ્ય સ્તરે જાગૃતિ ગ્રામ સભાઓ અને વિવિધ સ્પર્ધાઓનું થશે આયોજન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાતમાં ભ્રષ્ટાચારના સંપૂર્ણ નિર્મૂલન અને જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આગામી તા. ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ થી તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન "સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬" (Vigilance Awareness Week) મનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે આ સપ્તાહનું મુખ્ય વિષય-વસ્તુ "Probity for Prosperity" અર્થાત્ “સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ” રાખવામાં આવ્યું છે.

વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓ દ્વારા આયોજન:
સરકારના આ પરિપત્ર અનુસાર, રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓ, તાબાની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

 * આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આગામી તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે "ફરજ પ્રત્યે નિષ્ઠા" ના શપથ લેવામાં આવશે તેમજ સામાન્ય નાગરિકોને "સત્યનિષ્ઠા" ના શપથ લેવડાવવામાં આવશે.

 * કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ની વેબસાઇટ પર જઈને ઇ-પ્રતિજ્ઞા (e-pledge) લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

 * સંસ્થાઓમાં નિવારક સતર્કતા (Preventive Vigilance), વર્કશોપ, વાદ-વિવાદ, ક્વિઝ તેમજ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે.

જનજાગૃતિ માટે વ્યાપક અભિયાન અને ગ્રામ સભાઓ:
સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ લાવવા માટે વોકથોન, મેરેથોન, શેરી નાટકો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (જેમ કે X અને Facebook) નો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાહક-કેન્દ્રિત પ્રવૃત્તિઓ હેઠળ ફરિયાદ નિવારણ શિબિરો અને વેન્ડર મીટ્સ યોજાશે. ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભ્રષ્ટાચાર વિરોધી સંદેશ ફેલાવવા માટે વિશેષ "Awareness Gram Sabhas" (જાગૃતિ ગ્રામ સભાઓ) નું આયોજન કરવાના પણ આદેશો જારી કરવામાં આવ્યા છે. સંયુક્ત સચિવશ્રી (ગૃહ વિભાગ) ના હસ્તાક્ષરથી જારી કરાયેલા આ પરિપત્રની નકલો તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને મોકલીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

(5:33 PM IST)