તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર જાહેરમાં દારૂની મહેફિલ માણતા યુવાનોનો વીડિયો વાયરલ
હિંમતનગર નજીક હાઈવે પર કેટલાક યુવાનો બિન્દાસ્ત રીતે પોતાની કાર ઉભી રાખીને દારૂના પેગ ભરી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા

હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર જાહેરમાં વિદેશી દારૂની મહેફિલ માણતા યુવાનોનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે કાયદાનો ડર હવે નશાખોરોમાં રહ્યો નથી.
રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ઠેર-ઠેર ચેકપોસ્ટ તથા પોલીસ પેટ્રોલિંગના દાવા કરાઈ રહ્યા છે,આવા સમયે હિંમતનગર નજીક હાઈવે પર કેટલાક યુવાનો બિન્દાસ્ત રીતે પોતાની કાર ઉભી રાખીને દારૂના પેગ ભરી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ યુવાનો કોઈ પણ જાતના ભય વગર જાહેરમાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવી રહ્યા છે. હાઈવે પર આ પ્રકારે નશાખોરોનો ખુલ્લો પડકાર પોલીસ તંત્રની ઉંઘ ઉડાડનારો છે. જોકે આ વાયરલ વીડિયો અંગે અમો પુષ્ટિ કરતું નથી.
ચોંકાવનારી વાત એ છે કે આ મહેફિલ જમાવનારા શખ્સો જે કાર લઈને આવ્યા હતા, તેમાં નંબર પ્લેટ પણ જોવા મળી નહોતી. નંબર પ્લેટ વગરની ગાડીમાં જાહેરમાં દારૂ પીવો એ ગુનાહિત માનસિકતા દર્શાવે છે. હિંમતનગર-શામળાજી હાઈવે એ વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. છતાં પણ આ યુવાનોએ હિંમતપૂર્વક રસ્તા પર ગાડી ઉભી રાખીને દારૂ પીવાનું સાહસ કર્યું. આ ઘટનાએ સાબરકાંઠા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.
દારૂની ચુસ્કી લેતા આ યુવાનોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વાયરલ વીડિયો ક્યારનો છે અને તેમાં દેખાતા શખ્સો કોણ છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ આ દ્રશ્યોએ સ્થાનિક તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉઠાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ વીડિયોના આધારે પોલીસ તે શખ્સો સામે કેવા પગલાં ભરે છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
