News of Saturday, 26th September 2026
અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રિ 2026 નો ધમાકો: પહેલા દિવસે મફત એન્ટ્રી, ત્યારબાદ ટિકિટ દર ₹100 થી ₹3000 સુધી!
GMDC ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવ માટે BookMyShow પર ઓનલાઇન બુકિંગ શરૂ; ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે ડિજિટલ પાસ સિસ્ટમ લાગુ કરાઈ

અમદાવાદ : ગુજરાતના સૌથી લોકપ્રિય અને ભવ્ય ઉત્સવ નવરાત્રિને લઈને અમદાવાદમાં ખેલૈયાઓ અને ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત 'વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2026' માટે આ વખતે અદ્યતન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય ગરબા ઉત્સવમાં પ્રવેશ મેળવવા અને ગ્રાઉન્ડ પર સુચારુ ભીડ નિયંત્રણ તેમજ સુરક્ષા જાળવવા માટે ખાસ ડિજિટલ પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.
આ વખતે GMDC ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે જાણીતા ઓનલાઇન ટિકિટિંગ પ્લેટફોર્મ બુકમાયશો (BookMyShow) પર ટિકિટ બુકિંગ વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારી આયોજન હોવા છતાં ગરબા રસિકોને બહેતર સુવિધાઓ પૂરી પાડવા અને વ્યવસ્થા જાળવવા માટે ચોક્કસ શ્રેણીઓમાં પાસ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરબા રસિકો હવે સ્થળ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાને બદલે અગાઉથી જ ઓનલાઇન પોતાની ટિકિટ કન્ફર્મ કરાવી શકશે.
સરકારની યોજના મુજબ, મહોત્સવના પ્રથમ દિવસે તમામ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક એટલે કે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. જોકે, બીજા દિવસથી સેલિબ્રેશન ઝોન માટે ટિકિટનો દર ₹100 અને પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન માટે ₹1200 નક્કી કરાયો છે. નવરાત્રિના 5મા દિવસથી ભીડ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દરોમાં સુધારો થશે; જેમાં સેલિબ્રેશન ઝોનની ટિકિટ વધીને ₹250 અને વિશિષ્ટ સુવિધાઓ ધરાવતા પ્રીમિયમ ઝોનની ટિકિટ ₹3000 સુધી પહોંચશે. આ નવી ફી સિસ્ટમ છતાં અમદાવાદના ખેલૈયાઓમાં વાયબ્રન્ટ નવરાત્રિને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
