તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 7th November 2026
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય ડેલીગેશનનો સફળ રોડ-શો
૮ દિવસીય પ્રવાસમાં ૪ મંત્રીસ્તરીય, ૧૧ વન-ટુ-વન અને ૮ રાઉન્ડટેબલ બેઠકો યોજાઈ : ૧૫૦થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો, રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને ટેકનોલોજી ક્ષેત્રે રોકાણ પર ભાર

ગાંધીનગર: આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન યોજાનાર 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' (VGGS) ૨૦૨૭ ના પૂર્વાર્ધરૂપે ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજેલો આઠ દિવસીય રોડ-શો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ગત ૨૬ ઓક્ટોબરથી ૨ નવેમ્બર દરમિયાન યોજાયેલા આ રોડ-શોનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી મજબૂત કરવાનો અને વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાનો હતો.
વ્યાપક બેઠકો, સાઈટ મુલાકાતો અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ
આ પ્રવાસ દરમિયાન ડેલીગેશને ૧૧ વન-ટુ-વન બેઠકો, ૪ મંત્રીસ્તરીય બેઠકો, ૮ સેક્ટર-આધારિત રાઉન્ડટેબલ ચર્ચાઓ, ૬ પ્રમુખ સાઈટ મુલાકાતો અને ૩ પ્રવાસી ભારતીય (ડાયસ્પોરા) કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ રોડ-શોમાં મંત્રી ઋષિકેશ પટેલની સાથે સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર રૂપવંત સિંહ (IAS), જીઓલોજી એન્ડ માઇનિંગના કમિશનર ડો. ધવલ પટેલ (IAS) સહિત શક્તિ ગ્રુપ ઓફ કંપનીઝના એમડી શ્રેયાંશ ગોયલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મેહુલ વૈદ્ય, અલેક્સિયસ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર મિલન ઠક્કર અને હિન્દુસ્તાન મેગના સ્થાપક હર્ષિલ તમાકુવાલા જેવા ઉદ્યોગપતિઓ જોડાયા હતા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચાઓ:
ઓસ્ટ્રેલિયામાં ૨૬ થી ૩૦ ઓક્ટોબર દરમિયાન પ્રતિનિધિમંડળે મેલબોર્ન, સિડની અને બ્રિસ્બેનની મુલાકાત લીધી હતી. અહીં કેવેન્ડિશ રિન્યુએબલ ટેકનોલોજી, પ્રોજિયા ફૂડ્સ અને સ્માર્ટ એનર્જી કાઉન્સિલ જેવી પ્રમુખ સંસ્થાઓ સાથે ૯ વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ ઉપરાંત NSW સરકારના મંત્રી અનોલક ચંથીવોંગ (Hon. Anoulack Chanthivong, MP), વોરેન કિર્બી (Hon. Warren Kirby, MP) અને માર્ક જોસેફ કુરે (Mr. Mark Joseph Coure, MP) સાથે મંત્રીસ્તરીય દ્વિપક્ષીય વેપાર અંગે સમીક્ષા કરી હતી. ૧૦૦થી વધુ અગ્રણીઓની હાજરીમાં રિન્યુએબલ એનર્જી, ક્રિટિકલ મિનરલ્સ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો પર ૬ રાઉન્ડટેબલ પરિસંવાદો યોજાયા હતા. અભ્યાસ અર્થે ટીમે મોનાશ યુનિવર્સિટી, MCG, માર્વેલ અને ગાબા સ્ટેડિયમની મુલાકાત પણ લીધી હતી.
ન્યુઝીલેન્ડમાં રોકાણ અને ગ્રીન એનર્જી પર ધ્યાન:
૧ અને ૨ નવેમ્બર દરમિયાન ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે યોજાયેલા પ્રવાસમાં ન્યુઝીલેન્ડ સરકારના ઉર્જા અને આરોગ્ય મંત્રી સિમિયોન બ્રાઉન (Mr. Simeon Brown) સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. INZBC અને INZCCI દ્વારા આયોજિત ૨ રાઉન્ડટેબલ બેઠકોમાં ૫૦થી વધુ ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા. પ્રતિનિધિમંડળે કોન્ટેક્ટ એનર્જીના પ્રથમ ગ્રીડ-સ્કેલ 'ગ્લેનબ્રુક ઓહુરુઆ બેટરી પ્રોજેક્ટ' ની મુલાકાત લઈ બેટરી સ્ટોરેજ, લોજિસ્ટિક્સ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રે સહયોગ પર ભાર મુક્યો હતો. મેલબોર્ન, બ્રિસ્બેન અને ઓકલેન્ડ ખાતે યોજાયેલા સમુદાય કાર્યક્રમોમાં વસતા ગુજરાતીઓને સમિટમાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા હાકલ કરાઈ હતી.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
