<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-દક્ષિણ ગુજરાત: સુરત: દિવસ-૨ : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં‘ઇનેબલિંગ ગુજરાત સર્ક્યુલર ટ્રાન્ઝિશન’ વિષય પર સેમિનાર યોજાયો

બદલાતા સમયમાં કચરો પણ ‘રિસોર્સ મટીરિયલ’ - વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા : રાજ્યના ઉદ્યોગકારોને નવીનતા અપનાવીને ગુજરાતને અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ મોડેલ સ્ટેટ બનાવવા અનુરોધ કરતા પ્રવિણભાઈ માળી

(માહિતી બ્યુરો)સુરત તા.૨ :  વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં ‘Enabling Gujarat's Circular Transition: Policies, Partnerships and Pathways’ વિષય પર સેમિનાર યોજાયો હતો. 

         વનમંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, બદલાતા સમયમાં કચરો એ હવે સમસ્યા નહીં, પણ ‘રિસોર્સ મટીરિયલ’ છે. ઘરેલું કચરો પણ હવે એનર્જી ઉત્પન્ન કરવા માટેના સ્રોતના રૂપમાં ઉપયોગી બની રહ્યો છે. સર્ક્યુલર ઇકોનોમીના માર્ગે ચાલી રાજ્ય સરકાર પર્યાવરણ જાળવણીની સાથે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહી છે. 

           મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઉદ્યોગોના વિકાસની સાથે તેની સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) પણ ખૂબ મહત્વની છે. એકમો સમાજ કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે છે તે  માટે ફ્લાય-એશ અને ડમ્પિંગ યાર્ડનો કચરો આજે ઊર્જા અને અન્ય ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાય છે, તેવી જ રીતે આગામી સમયમાં સર્ક્યુલર ઇકોનોમી દ્વારા વર્ષ ૨૦૫૦ સુધીમાં ૨ ટ્રિલિયન ડોલરના યોગદાનનું લક્ષ્ય હાંસલ કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે.

          વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીએ પર્યાવરણ અને ઉદ્યોગોના સહ-અસ્તિત્વ પર તેમજ પર્યાવરણ સુરક્ષા માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યના ઉદ્યોગકારોને નવીનતા અપનાવીને ગુજરાતને અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ મોડેલ સ્ટેટ બનાવવા અનુરોધ કર્યો હતો.

             ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના ચેરમેન આર.બી. બારડે સ્વાગત પ્રવચન કરતા સેમિનારના ઉદ્દેશ્ય અને સર્ક્યુલર ઇકોનોમીની નીતિઓ વિશે વિસ્તૃત રૂપરેખા આપી હતી.

           પેનલ ચર્ચા દરમિયાન ઉદ્યોગકારો અને તજજ્ઞોએ પર્યાવરણ અને ઉદ્યોગોના સંતુલન અને વિકાસ સંદર્ભે મંથન કર્યું હતું. આ સેમિનારમાં GPCB-સુરતના રિઝનલ ઓફિસર શ્રી અરૂણ પટેલ, વિવિધ ઉદ્યોગ સાહસિકો, ટેકનોલોજીસ્ટો અને પર્યાવરણવિદો ઉપસ્થિત રહ્યા હતા. 

 

(3:19 PM IST)