<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ – દક્ષિણ ગુજરાત: સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને નવીનીકરણ થકી વિકાસને વેગ

‘પાવરિંગ ઇન્ડિયાઝ નેક્સ્ટ ગ્રોથ એન્જિન’ થીમ હેઠળ 1-2 મેના રોજ સુરતમાં કોન્ફરન્સ, 18,880થી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે

ગાંધીનગર, તા. 29 :  ગુજરાત સરકાર આગામી 1 અને 2 મે, 2026ના રોજ સુરતની AURO યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ - દક્ષિણ ગુજરાતની યજમાની માટે સજ્જ છે. ટકાઉ, નવીનીકરણ આધારિત અને સમાવેશી આર્થિક વિકાસ માટેની રાજ્યની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતી આ કોન્ફરન્સના ભાગરૂપે ‘પાવરિંગ ઇન્ડિયાઝ નેક્સ્ટ ગ્રોથ એન્જિન: ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી અને સસ્ટેનેબિલિટી’ શીર્ષક હેઠળ વૈચારિક સત્ર આયોજિત કરવામાં આવશે.

 

ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં ગુજરાત ભારતનું અગ્રણી રાજ્ય બન્યું છે. રાજ્યમાં 18,880થી વધુ DPIIT દ્વારા માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે, જે રાષ્ટ્રીય સ્તરે પાંચમા ક્રમાંકે છે. ઉલ્લેખનીય છે કે, આ સ્ટાર્ટઅપ્સમાંથી 32%થી વધુ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી આવે છે. સમગ્ર ગુજરાતમાં 210થી વધુ સરકારી ભંડોળ ધરાવતા ઇનક્યુબેટર્સ અને 318થી વધુ રજિસ્ટર્ડ મેન્ટરો સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપે છે.

 

વર્ષ 2018થી ગુજરાત સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં સતત ‘બેસ્ટ પર્ફોર્મર’ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, ગુજરાત સરકારે નવીનીકરણ અને ઉદ્યોગસાહસિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે આશરે ₹18.33 કરોડના બીજ ભંડોળ અને ₹137 કરોડના સાહસ ભંડોળ જારી કર્યા છે.

 

 

સત્રના મુખ્ય આકર્ષણો

 

 

સ્ટાર્ટઅપ સંબંધિત આ સત્રમાં ઉચ્ચ અસરવાળા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સનું રિયલ-વર્લ્ડ એપ્લિકેશન, સ્ટાર્ટઅપના સ્કેલ-અપને સક્ષમ બનાવવામાં ઉદ્યોગોની ભૂમિકા અને ટકાઉ ઔદ્યોગિક પરિવર્તન પર ફાયરસાઇડ ચર્ચા યોજાશે. દક્ષિણ ગુજરાતને મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે સ્થાન આપવા પર સમર્પિત પેનલ ચર્ચા કરવામાં આવશે.

 

સત્રની શરૂઆત ઇનસાઇડ FPV કંપનીના સહ-સ્થાપક શ્રી દિવ્યાંત ભારદ્વાજ દ્વારા ‘ડ્રાઇવિંગ રિયલ-વર્લ્ડ ઇમ્પેક્ટ વિથ ડ્રોન સ્ટાર્ટઅપ્સ’ વિષય પર વક્તવ્ય સાથે થશે. ત્યારબાદ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી મયુર શાહ ‘ઇન્ડસ્ટ્રી એઝ એ કેટાલિસ્ટ ફોર સ્ટાર્ટઅપ ગ્રોથ’ વિષય પર સંબોધન કરશે.

 

આ સત્રમાં ‘લીડીંગ ઇન્ડિયાઝ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન’ વિષય પર ફાયરસાઇડ ચેટનું આયોજન થશે, જેનું સંચાલન GESIA IT એસોસિએશનના ચૅરમેન શ્રી પ્રણવ પંડ્યા કરશે. ચાર્જઝોનના સ્થાપક શ્રી કાર્તિકેય હરિયાણી અને હેવન ગ્રીન એનર્જી લિ.ના સ્થાપક શ્રી નીરવ ધનાઇ સ્વચ્છ ઊર્જા અને ઇલેક્ટ્રિક મોબિલિટી અંગે વિચારો પ્રસ્તુત કરશે.

 

મુખ્ય આકર્ષણ ‘સાઉથ ગુજરાત ગ્રોથ એન્જિન

 

 

 એડવાન્સિંગ ધ વિઝન ઑફ વિકસિત ભારત 2047’ વિષય પરની પેનલ ચર્ચા હશે. સિન્કોરો વેન્ચરના સ્થાપક શ્રી કશ્યપ પંડ્યા તેનું સંચાલન કરશે. દક્ષિણ ગુજરાતના જાણીતા ઉદ્યોગસાહસિકો ચિંતન કાનાણી (સોલાન્સ એનર્જી), ચેતન કાનાણી (અલ્પિનો હેલ્થ ફૂડ્સ),  સંદીપ વિનુભાઈ કથિરિયા (ઇઝીસેલ સર્વિસ), હીરેન લાઠિયા (સ્કાયલી) અને કુશાલ પટેલ (ક્વૉડસોફ્ટેક) નવીનીકરણ સંચાલિત આર્થિક વિકાસમાં પ્રદેશના યોગદાન અંગે ચર્ચા કરશે.

 

સત્રમાં એડવાન્ટેજ ઑસ્ટ્રિયા ખાતે સ્ટાર્ટ-અપ્સ, ટેકનોલોજી અને ઇનોવેશન માટેના સિનિયર એડવાઇઝર શ્રી અજય સિંહ દ્વારા આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પણ રજૂ કરવામાં આવશે.

 

 

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા

 

 

ઉત્પાદકમાં વધારો, ઉચ્ચ-ગુણવત્તાવાળી રોજગારીનું સર્જન, ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન અને શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં સમાવિષ્ટ વિકાસમાં સ્ટાર્ટઅપ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દ્વારા ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો માટે પસંદગીના સ્થળ તરીકે રાજ્યના નેતૃત્વને મજબૂત કરી રહી છે અને દક્ષિણ ગુજરાતને ભારતના આર્થિક વિકાસના આગામી તબક્કામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા સશક્ત બનાવી રહી છે.

(4:34 PM IST)