તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
મધ્ય ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 29-30 જૂન દરમિયાન વડોદરા ખાતે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાશે : 10 જિલ્લાની વિકાસ સંભાવનાઓ-રોકાણ તકોને મળશે વૈશ્વિક મંચ
GSFC યુનિવર્સિટી ખાતે બે દિવસીય VGRC: જાપાન, UAE, રવાન્ડા, યુક્રેન ભાગીદાર દેશો, JETRO, USISPF, USIBC, KOTRA સહિત 12 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સહભાગિતા, સેમિકન્ડક્ટર, IT, બાયોટેક, એરોસ્પેસ, ગ્રીન એનર્જી સહિત 16 ફોકસ સેક્ટર પર ચર્ચા, 29 જૂને સવારે 10:30 વાગ્યે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન

ગાંધીનગર, તા. 27 : ગુજરાતના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) – મધ્ય ગુજરાતનું આયોજન 29 અને 30 જૂન, 2026 દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારી આ પરિષદ પ્રાદેશિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને વૈશ્વિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.
પરિષદની શરૂઆત 29 જૂનના રોજ સવારે 10:30 કલાકે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE)ના ઉદ્ઘાટન સાથે થશે. ત્યારબાદ સવારે 11:15 કલાકે ઉદ્ઘાટન સત્ર યોજાશે, જેમાં નાયબ મુખ્યમંત્રી ઉદ્ઘાટન પ્રવચન આપશે. ભાગીદાર દેશોના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિતોને સંબોધિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિશેષ માર્ગદર્શન અને સંબોધન રહેશે.
VGRC મધ્ય ગુજરાત માટે જાપાન, રવાન્ડા, UAE અને યુક્રેન ભાગીદાર દેશો તરીકે પુષ્ટિ આપી છે. જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO), US-India સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF), US-India Business Council (USIBC), કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA), UAE-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UIBC), AMCHAM ઇન્ડિયા, FINCHAM ઇન્ડિયા સહિત 12 અગ્રણી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઉદ્યોગ સંગઠનો ભાગીદાર સંસ્થાઓ તરીકે સહભાગી બન્યા છે.
આ પરિષદમાં સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ, IT અને ITeS, બાયોટેક, ફાર્માસ્યુટિકલ્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, ફિનટેક, ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, પ્રવાસન અને સંસ્કૃતિ સહિત 16 ક્ષેત્રો પર ફોકસ રહેશે.
VGRC મધ્ય ગુજરાત અંતર્ગત અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા એમ 10 જિલ્લાઓની વિકાસ સંભાવનાઓ અને રોકાણ તકોને ઉજાગર કરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય "વિકસિત ભારત@2047"ના વિઝનને સાકાર કરવા માટે પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને ગતિ આપવાનો, ક્ષેત્ર-વિશિષ્ટ રોકાણોને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. આ પરિષદો સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજારો સાથે જોડીને તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વ્યૂહાત્મક ભાગીદારી, રોકાણકારોની સક્રિય સહભાગિતા અને ક્ષેત્રકેન્દ્રિત વિકાસ અભિગમ દ્વારા ગુજરાત સરકાર રાજ્યના દરેક વિસ્તારમાં સમાન, સમાવેશી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
