તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-૨૦૨૬: સુરત-દક્ષિણ ગુજરાતમાં 1 અને 2 મે એ રિવર્સ બાયર-સેલર મીટનું આયોજન
ઓરો યુનિવર્સિટી, હજીરા રોડ ખાતે યોજાનારી VGRCમાં FIEOના સહયોગથી 15થી વધુ દેશોના 45 વિદેશી ખરીદદારો આવશે; ટેક્સટાઇલ, કેમિકલ્સ, ફાર્મા, ફૂડ એન્ડ એગ્રો અને એન્જિનિયરિંગ ક્ષેત્રે MSME નિકાસકારોને વૈશ્વિક બજાર સાથે જોડવાની તક મળશે

સુરત તા.૩૦ : રાજ્ય સરકાર દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સના સહયોગથી 1 અને 2 મે 2026ના રોજ સુરતના હજીરા રોડ સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ દરમિયાન એક વિશિષ્ટ રિવર્સ બાયર-સેલર મીટ યોજાશે જેમાં ગુજરાત સ્થિત MSME નિકાસકારોને વૈશ્વિક ખરીદદારો સાથે સીધા સંપર્કની તક મળશે. આ પહેલના ભાગરૂપે FIEO દ્વારા યુકે, ઓસ્ટ્રેલિયા, રોમાનિયા, યુએઈ સહિત 15થી વધુ દેશોના 45થી વધુ વિદેશી ખરીદદારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ રિવર્સ બાયર-સેલર મીટ વેપાર માટેની વિશેષ મુલાકાતોની સુવિધા પૂરી પાડશે, જેનાથી પ્રાદેશિક ઉદ્યોગો માટે અર્થપૂર્ણ વેપારી સંબંધો બાંધવાની અને નિકાસની નવી તકો સર્જાશે. VGRCમાં RBSM ટેક્સટાઇલ અને ગારમેન્ટ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ અને એગ્રો પ્રોડક્ટ્સ તેમજ એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં સુરતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન કરશે. આ આયોજન દ્વારા દક્ષિણ ગુજરાતના MSMEsને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ માટેનું પ્લેટફોર્મ મળશે અને નિકાસલક્ષી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
ઉલ્લેખનીય છે કે VGRCની મહેસાણા અને રાજકોટ ખાતે બે આવૃત્તિઓ સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે. સુરત ખાતેનું આ આયોજન ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વેગ આપવા અને વિવિધ જ્ઞાન આધારિત સેમિનાર, B2B અને B2G મીટિંગો વગેરે દ્વારા નવી તકો થકી MSMEsને આગળ વધારવાના પ્રયત્નોને વધુ ઊંચાઈ પર લઈ જશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો અને ગુજરાતને વૈશ્વિક નિકાસ હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો, નીતિ નિર્માતાઓ અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો વચ્ચે સીધો સંવાદ થશે જેનાથી રોકાણ અને વેપારની નવી શક્યતાઓ ખૂલશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
