તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: નવી દિલ્હીમાં વિદેશી મિશનોના વડાઓ સાથે સંવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં વૈશ્વિક રોકાણ માટે આહ્વાન કર્યું; વૈશ્વિક રોકાણકારોને સહયોગ આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવી:વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને ‘ભવિષ્યના વૈશ્વિક પ્રવેશદ્વાર’ તરીકે નવી ઓળખ અપાવી છે:વિશ્વભરના ઉદ્યોગો અને રોકાણકારોને શક્ય તમામ સહયોગ આપવા તથા પરસ્પર વિકાસ માટે વધુ મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે”:ભુપેન્દ્રભાઈ પટેલ

(અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ની તૈયારીઓના ભાગરૂપે, ગુજરાત સરકારે 31 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં વિદેશી મિશનોના વડાઓ સાથે સંવાદ કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત અને ખાસ કરીને ગુજરાત, દુનિયાભરના દેશો સાથે મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, જન-જન વચ્ચેના સંપર્કો, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને વધતા આર્થિક સહયોગે વર્ષોથી આ ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, VGGS 2027ના માધ્યમથી રાજ્ય આ વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તથા આંતરરાષ્ટ્રીય સહયોગ, રોકાણ અને પરસ્પર વિકાસ માટે નવી તકો ઊભી કરવા ઇચ્છે છે.
મિશનોના વડાઓ સાથેના આ સંવાદમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ એમ. કે. દાસ, IAS; ગુજરાત સરકારના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, IAS (નિવૃત્ત); ભારત સરકારના વિદેશ મંત્રાલયના સચિવ (આર્થિક સંબંધો) સુધાકર દલેલા, IFS; ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (આર્થિક રાજદ્વારી) પી. એસ. ગંગાધર, IFS; ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, IAS; તેમજ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, IAS ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ રાજ્ય વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરી રહ્યું છે, જે ગુજરાતની વિકાસયાત્રામાં ગેમ-ચેન્જર સાબિત થઈ છે. વર્ષોથી આ સમિટે ગુજરાત અને વિશ્વના વિવિધ દેશો વચ્ચે પરસ્પર સહયોગ, રોકાણ અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક સશક્ત વૈશ્વિક મંચ તરીકેની ભૂમિકા ભજવી છે.”
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નોંધપાત્ર સફળતાએ ગુજરાતને “ભવિષ્યના વૈશ્વિક પ્રવેશદ્વાર” તરીકે નવી ઓળખ અપાવી છે. આજે ભારતના ઔદ્યોગિક વિકાસને વેગ આપનારા અગ્રણી રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે અને તે રોકાણ, નવીનતા, ટેક્નોલૉજી અને વૈશ્વિક ભાગીદારી માટે એક વિશ્વસનીય સ્થળ તરીકે ઊભરી આવ્યું છે.
આજે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડિજિટલ ટેક્નોલૉજી, બાયોટેક્નોલૉજી અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો વૈશ્વિક અર્થતંત્રની નવી દિશા નક્કી કરી રહ્યા છે. બદલાતા વૈશ્વિક પરિદૃશ્યમાં ગુજરાતની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે—ઇનોવેશન માટે મજબૂત ઇકોસિસ્ટમ, રોકાણ માટે નવી તકો અને વિશ્વાસ પર આધારિત ભાગીદારી.
સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સથી લઈને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વાહનો, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એરોસ્પેસ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી તકોનું નિર્માણ કરી રહ્યું છે. એટલું જ નહીં, તે ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્ર અને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની ઉચ્ચ-સ્તરીય આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાતનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન જે પણ CEO સાથે અમારી મુલાકાત થઈ, તેમણે શ્રી નરેન્દ્ર મોદીના વિઝન, ગુજરાતની વિકાસયાત્રા અને પ્રગતિશીલ નીતિઓની પ્રશંસા કરી હતી અને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા તથા રોકાણ કરવા માટે ઊંડો રસ દાખવ્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત એક સુરક્ષિત, સશક્ત અને પ્રગતિશીલ વૈશ્વિક ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. હકીકતમાં, હું કહીશ કે ભારતે એક વિશ્વસનીય વૈશ્વિક ભાગીદાર તરીકે પોતાની ઓળખ પહેલેથી જ સ્થાપિત કરી છે. જ્યારે પણ વૈશ્વિક નેતાઓ ભારત સાથેની ભાગીદારી અંગે વિચારે છે, ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાત તેમની પ્રથમ પસંદગી હોય છે.
તાજેતરની નીતિગત પહેલોની વાત કરતાં માનનીય મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોલિસી-ડ્રિવન ગવર્નન્સ એટલે કે નીતિ આધારિત વહીવટનો મજબૂત પાયો નાખ્યો હતો. આ વારસાને આગળ ધપાવતા રાજ્યએ સેમિકન્ડક્ટર પોલિસી, IT અને ITeS પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, GCC પોલિસી તેમજ શિપબિલ્ડિંગ અને શિપ-રિપેર સહિતની અનેક ઉદ્યોગલક્ષી નીતિઓ અમલમાં મૂકી છે.
તાજેતરમાં ગુજરાતે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 પણ અમલમાં મૂકી છે, જેમાં પ્રથમ વખત ઉદ્યોગો માટે “ચૂઝ યોર ઇન્સેન્ટિવ”ની સુવિધા રજૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ વિસ્તારોમાં સંતુલિત વિકાસ સુનિશ્ચિત કરવાની સાથે નવી ઔદ્યોગિક નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ પાવરહાઉસ તરીકેની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે એક દૂરંદેશી રોડમેપ પ્રદાન કરે છે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહભાગી દેશોના રોકાણકારો અને ઉદ્યોગોને ગુજરાતમાં આવીને રોકાણ કરવા તથા મેન્યુફેક્ચરિંગ એકમો સ્થાપવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે નવી ટેક્નોલૉજી અને નવીનતા દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના “મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ”ના વિઝનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
માનનીય વડાપ્રધાનએ “આ જ સમય છે, અને આ જ યોગ્ય સમય છે” મંત્ર આપ્યો છે, તેને યાદ કરતાં મુખ્યમંત્રીએ વિદેશી રાજદ્વારી મિશનોના વડાઓને તેમના દેશોના ઉદ્યોગો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણની તકો શોધવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વિશ્વભરના ઉદ્યોગો અને રોકાણકારોને શક્ય તમામ સહયોગ આપવા તથા પરસ્પર વિકાસ માટે વધુ મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.
ગુજરાત સરકારના મુખ્ય સચિવ એમ.કે. દાસ (IAS) એ ઉદ્યોગ, નવીનતા, વેપાર અને ટકાઉ વિકાસ માટેના અગ્રણી સ્થળ તરીકે ગુજરાતમાં થયેલા નોંધપાત્ર પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દૂરદર્શી નેતૃત્વ, રોકાણકારો માટે અનુકૂળ નીતિઓ, મજબૂત માળખાગત સુવિધાઓ અને ઉભરતા ક્ષેત્રો પર આપવામાં આવેલા વિશેષ ધ્યાનના કારણે આ પ્રગતિ સંભવ બની છે. તેમણે વિદેશી મિશનના વડાઓને 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027'માં સહભાગી થવા અને રોકાણ, ટેક્નોલોજી ભાગીદારી, વેપાર તથા જ્ઞાનના આદાન-પ્રદાન માટેની તકોની સમીક્ષા કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે VGGS 2027 મજબૂત અને પરસ્પર લાભદાયી ભાગીદારી સ્થાપિત કરવા તેમજ સહિયારા વિકાસની તકોનું સર્જન કરવા માટે ગુજરાત અને વૈશ્વિક સમુદાયને એકસાથે લાવશે.
આ પ્રસંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયના સચિવ (આર્થિક સંબંધો) શ્રી સુધાકર દલેલા (IFS) એ જણાવ્યું હતું કે વેપાર અને વાણિજ્યને મજબૂત બનાવવા માટે ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે આ માત્ર વ્યવસાય પૂરતું મર્યાદિત નથી, પરંતુ આર્થિક ભાગીદારી અને વિકાસ માટેનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે વ્યવસાયો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં સક્રિય અને અસરકારક નીતિઓના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વિદેશ મંત્રાલયના પૂરતા સહયોગની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત મિન્સ બિઝનેસ અને VGGSની 11મી આવૃત્તિ અગાઉની આવૃત્તિઓ કરતાં વધુ ભવ્ય અને વધુ અસરકારક બનશે, જે વ્યવસાયો અને રોકાણ માટે નવી તકોના દ્વાર ખોલશે. તેમણે આંતરરાષ્ટ્રીય દેશો, વ્યવસાયો અને રોકાણકારોને ગુજરાત સાથે સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી અને સરકારો, વ્યવસાયો તથા રોકાણકારો વચ્ચે વધુ મજબૂત ભાગીદારી અને સહયોગની નવી તકો ઊભી કરવા તેમની સાથે નજીકથી કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
નવી દિલ્હીમાં વિદેશી મિશનોના વડાઓ સાથે યોજાયેલી બેઠક દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા (IAS)એ તેમની વિસ્તૃત રજૂઆતમાં ગુજરાત ભારતના સૌથી ઝડપથી વિકસતા અને વૈશ્વિક સ્તરે સૌથી વધુ જોડાયેલા રોકાણના સ્થળ તરીકે કેવી રીતે ઉભરી આવ્યું છે તેની માહિતી આપી હતી. તેમાં ગુજરાતના મજબૂત આર્થિક આધાર, ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન, નિકાસ ક્ષેત્રની સ્પર્ધાત્મકતા, વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને 2047 સુધીમાં USD 3.5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવાની રાજ્યની દૂરંદેશી પરિકલ્પનાને રજૂ કરવામાં આવી હતી. તેમણે અદ્યતન ઉત્પાદન, સેમિકન્ડક્ટર્સ, ગ્રીન એનર્જી, એરોસ્પેસ, નવીનતા અને સેવા ક્ષેત્રના વિકાસ પર રાજ્યના વિશેષ ફોકસ અંગે પણ સૌને માહિતગાર કર્યા હતા. સાથોસાથ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની મુખ્ય વિશેષતાઓ રજૂ કરવામાં આવી હતી. VGGS 2027 ને વૈશ્વિક વેપાર, સહયોગ અને આર્થિક ભાગીદારી માટે એક મહત્વપૂર્ણ મંચ બનાવતા, વિદેશી મિશનોને કન્ટ્રી પેવેલિયન, વ્યાપારી પ્રતિનિધિમંડળો, ક્ષેત્ર-વિશિષ્ટ ભાગીદારી અને રોકાણની તકો દ્વારા ગુજરાત સાથે જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (ઇકોનોમિક ડિપ્લોમેસી) પી. એસ. ગંગાધર (IFS)એ જણાવ્યું હતું કે વર્ષોથી VGGS ભારત સાથેના આર્થિક જોડાણને મજબૂત બનાવવાના અગ્રણી વૈશ્વિક મંચ તરીકે વિકસ્યું છે, જેમાં વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ સામેલ થાય છે. તેમણે ગુજરાતમાં સેમિકન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) અને અન્ય અદ્યતન ટેક્નોલોજી સહિતના નવા અને પરિવર્તનકારી ક્ષેત્રોમાં ઊભી થઈ રહેલી તકો પર પ્રકાશ પાડ્યો હતો.
તાજેતરના વર્ષોમાં ગુજરાત તેની સ્થાપિત ઔદ્યોગિક ક્ષમતા, રોકાણકારો માટે અનુકૂળ નીતિઓ અને ઉદ્યોગો સાથેની મજબૂત ભાગીદારીના કારણે ભારતમાં રોકાણ માટેના સૌથી પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નીતિ આયોગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જાન્યુઆરી 2000થી માર્ચ 2026 દરમિયાન રાજ્યમાં કુલ USD 74.6 બિલિયનનું FDI રોકાણ આવ્યું છે. ગુજરાત લીડ્સ (LEADS -લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ) ઇન્ડેક્સમાં પણ સતત અગ્રણી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે યોજાવાની છે. આ સમિટની થીમ “ વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર” રાખવામાં આવી છે
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
