તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
સુરત પૂરના નુકસાન સામે વરાછા કો-ઓપરેટિવ બેંકની ઐતિહાસિક રાહત : પૂરગ્રસ્તો માટે માત્ર ૯% ના રાહત વ્યાજદરે રૂ. ૫ લાખ સુધીની 'ફ્લડ લોન' યોજના જાહેર કરાઈ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આકર્ષક શરતો ધરાવતી લોન અને પૂર-પાણી ભરાવા સામે આર્થિક રક્ષણ આપતી નવી વિશેષ વીમા યોજનાઓનું ધમાકેદાર લોન્ચિંગ : રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટું રાહત પેકેજ જાહેર કરાશે

સુરત: સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી અણધારી આફત વચ્ચે ઉદ્યોગો, વેપારી મથકો અને રહેણાંક વિસ્તારોને મોટું નુકસાન પહોંચ્યું છે. આ સંકટના સમયે પૂરગ્રસ્ત વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને નાગરિકોને આર્થિક રીતે બેઠા કરવા માટે સુરતની ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને ઉમદા જાહેરાત કરવામાં આવી છે. બેંકની મુખ્ય કચેરી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે માત્ર ૯ ટકાના વ્યાજદરે રૂ. ૫ લાખ સુધીની 'ફ્લડ લોન' યોજના અને પૂર તેમજ પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજનાઓનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ સુરતના નાગરિકોની જિંદાદિલી અને મુશ્કેલીના સમયે પરસ્પર મદદ કરવાની અનોખી ભાવનાને વંદન કર્યા હતા અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા બદલ વરાછા બેંકની પહેલને બિરદાવી હતી.
સરકાર દ્વારા ૭૨ કલાકમાં સર્વેનો લક્ષ્યાંક, ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ:
કાર્યક્રમને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, પૂરના કારણે વેપારીઓ અને નાગરિકોને થયેલા નુકસાનનું સાચું આકલન કરવા માટે સરકાર દ્વારા ૭૨ કલાકમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી ૮૦ ટકા જેટલી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ પણ કરી લેવામાં આવી છે. હાલ નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝો, દુકાનો અને કોમર્શિયલ એકમોને થયેલા આર્થિક નુકસાનનો સવિસ્તાર અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ આખરી અહેવાલના આધારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ પૂરગ્રસ્તો માટે મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, સુરતની માટીમાં મુશ્કેલીઓ સામે લડીને પોઝિટિવિટી સાથે પુનઃ બેઠા થવાની અદભુત તાકાત છે અને સરકાર સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને સુરતને વહેલી તકે ધમધમતું કરવા કટિબદ્ધ છે.
૬૦ મહિનાની મુદત અને ખાસ ગાઈડન્સ ડેસ્ક સાથે 'ફ્લડ લોન' ની આકર્ષક શરતો:
વરાછા બેંકે આપત્તિના સમયે ગ્રાહકો પર આર્થિક બોજ ન પડે અને તેઓ યોજનાનો ઝડપી તેમજ સરળતાથી લાભ લઈ શકે તે માટે અત્યંત આકર્ષક અને ઉદાર શરતો જાહેર કરી છે:
લોનની મર્યાદા અને વ્યાજદર: પૂરગ્રસ્તોના સુરક્ષિત ભવિષ્ય માટે માત્ર ૯ ટકાના વ્યાજદરે રૂ. ૫ લાખ સુધીની લોન સહાય તાત્કાલિક આપવામાં આવશે.
લાંબો સમયગાળો: લોનની સરળતાથી ભરપાઈ કરવા માટે ગ્રાહકોને ૬૦ મહિના (૫ વર્ષ) નો લાંબો સમયગાળો પૂરો પાડવામાં આવશે.
ડેડિકેટેડ સ્પેસ: લોન મેળવવામાં અરજદારોને કોઈ તકલીફ કે વિલંબ ન થાય તે માટે વરાછા બેંકની મુખ્ય કચેરી ખાતે એક ખાસ ડેડિકેટેડ સ્પેસ (વિશેષ કાઉન્ટર) તૈયાર કરાયું છે, જ્યાંથી અરજદારોને ત્વરિત માર્ગદર્શન અને લોનની મંજૂરી ઓન-ધ-સ્પોટ મળી રહેશે.
માલ સામાન અને સ્ટોક્સની સુરક્ષા માટે નવી વિશેષ જનરલ ઇન્સ્યોરન્સ યોજના:
ભવિષ્યમાં આવી કોઈ પણ કુદરતી આફતો સામે વ્યાપારીઓને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી વરાછા બેંક દ્વારા એક નવીન જનરલ ઇન્સ્યોરન્સ (વીમા) યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વેપારીઓ માત્ર રૂ. ૧,૦૦૦ ના નજીવા વાર્ષિક પ્રીમિયમ ચૂકવીને પોતાના રૂ. ૧૦ લાખના માલ સ્ટોક્સ માટે વીમા કવચનો લાભ લઈ શકશે. પૂર આવવા અથવા વિસ્તારોમાં પાણી ભરાવા જેવી ગંભીર સ્થિતિમાં વેપારીઓના સ્ટોક, ગોડાઉન કે મિલકતને થતા આર્થિક નુકસાન સામે વીમા ધારકને આ યોજના હેઠળ પૂરેપૂરું નાણાકીય રક્ષણ પૂરું પાડવામાં આવશે.
નાના વેપારીઓને મહત્તમ ફાયદો થશે - મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા:
આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ વરાછા બેંકના આ ઉમદા અને સાહસિક નિર્ણયની મુક્ત કંઠે પ્રશંસા કરી જણાવ્યું હતું કે, આ ફ્લડ લોન અને વીમા યોજનાથી સુરતના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને પોતાનો રોજગાર ફરી શરૂ કરવામાં મહત્તમ ફાયદો થશે. આ અવસરે ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોધારી તેમજ બેંકના ચેરમેન નરેન્દ્રભાઈ કાકડીયા અને વિઠ્ઠલભાઈ ધાનાણીએ પ્રાસંગિક પ્રવચનો આપી બેંકની કામગીરીની રૂપરેખા આપી હતી. આ ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ બલર, અગ્રણી જયંતિભાઈ એકલેરા, મનહરભાઈ સાચપરા તેમજ મુકેશભાઈ પટેલ સહિત અનેક સામાજિક-રાજકીય અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
