<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

વાપીના કરવડ રોડ પર એસીબીનું સફળ છટકું : દારૂના કેસમાં ન ફસાવવા રૂ. ૫ હજારની લાંચ લેતા ખેડૂત રંગેહાથ ઝડપાયો

બોર્ડર પર ચેકિંગ દરમિયાન વાહનચાલકોને પોલીસ ચોકીએ લઈ જઈ કેસ ન કરવાના નામે નાણાં પડાવવાનો પ્રયાસ : વલસાડ એસીબીની ટીમ દ્વારા કાર્યવાહી

વલસાડ: ગુજરાત બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન નશો કર્યો હોવાનો આક્ષેપ કરી કેસ ન કરવાના બદલામાં રૂ. ૫,૦૦૦ની લાંચ માગનારા વાપીના એક શખ્સને વલસાડ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે સફળ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૭ ઓક્ટોબરના રોજ ફરિયાદી અને તેમના મિત્ર ગુજરાત બોર્ડર પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન વાપીના ડુંગરા ગામના કોળીવાડ ખાતે રહેતા અને ખેતીનો ધંધો કરતા ૫૪ વર્ષીય દીપકભાઈ જીવણભાઈ પટેલે તેમને અટકાવ્યા હતા. તેમણે ફરિયાદી અને તેમના મિત્રએ દારૂનો નશો કર્યો હોવાનો આક્ષેપ મૂકીને તેમને પોલીસ ચોકી ખાતે લઈ ગયા હતા. ત્યાં બંનેના નામ અને સરનામા લખી લીધા બાદ તેમની સામે કાયદેસરનો કેસ ન કરવાના અવેજ પેટે શરૂઆતમાં રૂ. ૧૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂ. ૫,૦૦૦ આપવાનું નક્કી થયું હતું.

જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

વાપી-કરવડ રોડ પર આવેલા મોજે કરવડ ખાતે સાંઈવિહાર રેસિડેન્સીની શોપ નંબર ૧૦ 'ધી લુક મેન્સ વેર' દુકાનની બહાર આયોજિત ટ્રેપ દરમિયાન આરોપી દીપકભાઈ પટેલે ફરિયાદી પાસેથી રૂ. ૫,૦૦૦ની લાંચની રકમ માગીને સ્વીકારી હતી. તે જ સમયે એસીબીની ટીમે તેને સ્થળ પર જ દબોચી લીધો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ ટ્રેપિંગ કામગીરી વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.

(11:48 PM IST)