<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

રાજ્‍યમાં ‘વાહન' પોર્ટલ ઠપઃ ૨૫૦૦૦થી વધુ અરજીઓ અટવાઈઃ અરજદારોને ધક્કા

પોર્ટલ બંધ છતાં તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાણ કરાઈ નહીં : RTOમાં ઓફલાઈન કામબંધ રહ્યું, વાહન રજિસ્‍ટ્રેશન, પરમિટ સહિતની કામગીરી અટકી

અમદાવાદ તા.૨૦: રાજ્‍યમાં મંગળવારે ફરી NICના લીધે વાહન પોર્ટલ ખોરવાતા ફરી મુશ્‍કેલી ઊભી થઈ હતી. ૨૫ હજારથી વધુ અરજીઓ અટવાઈ ગઈ હતી અને RTOમાં અરજદારોને ધરમધક્કો પડ્‍યો હતો. વાહન પોર્ટલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સોશિયલ મીડિયાથી કોઈ સત્તાવાર જાણ કરાઈ નહોતી, જેના લીધે આકરા તાપમાં સમયસર પહોંચેલા અરજદારોને કલાકો સુધી બેસાડી રખાતા તેઓ પરેશાન થઈ ગયા હતા. RTOમાં મંગળવારે ઓફલાઇન કામ બંધ હતું તો વાહન રજિસ્‍ટ્રેશન, પરમીટ સહિતની ઓનલાઇન કામગીરી પણ અટકી ગઈ હતી. જેના લીધે કેટલાક વાહન ડીલરોના શો-રૂમ પર માહકોનો કકળાટ જોવા મળ્‍યો હતો. વાહનવ્‍યવહાર વિભાગના ઉચ્‍ચ અધિકારીઓનું NICનું રટણ ચાલુ રહ્યું હતું અને વિવિધ એપોઈન્‍ટમેન્‍ટ રિશીડ્‍યુલ કરી આપી હતી. બુધવારે પોર્ટલ

અંગે તપાસ કર્યા પછી જ અરજદારોને RTO કચેરીમાં આવવા અપીલ કરાઈ છે. રાજ્‍યના વાહનવ્‍યવહાર વિભાગની ઘોર બેદરકારી અને નેશનલ ઈન્‍ફર્મેટિક્‍સ સેન્‍ટરના સર્વરમાં ગત સપ્તાહમાં ચાર દિવસ ટેકનિકલ ખામી બાદ મંગળવારે સવારથી જ પોર્ટલ સંપૂર્ણપણે બંધ રહેતા રાજ્‍યભરની RTO કચેરીઓમાં આવેલા હજારો અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સમગ્ર રાજ્‍યમાં વાહન પોર્ટલ ઠપ થવાના લીધે નવા વાહનની ઓનલાઈન રજિસ્‍ટ્રેશન, રેગ્‍યુલર નંબર, HSRP, વાહનમાં લોન દાખલ, લોન કેન્‍સલ, જૂના વાહનો ટ્રાન્‍સફર, અન્‍ય રાજ્‍યના વાહન ટ્રાન્‍સફર, ટ્રાન્‍સપોર્ટ વાહનની પરમીટ સહિતની ઓનલાઈન અને ઓફલાઈન મળી ૨૫ હજારથી વધુ અરજીઓ અટવાઈ પડી હતી. આヘર્યની વાત એ છે કે, વાહનવ્‍યવહાર વિભાગના ઉચ્‍ચ અધિકારીઓને પણ આ સમસ્‍યાના મૂળ સુધી પહોંચવામાં રસ હોય તેમ લાગતું નથી. અધિકારીઓ માત્ર મીટિગોમાં વ્‍યસ્‍ત છે, પરંતુ ગ્રાઉન્‍ડ લેવલ પર નીચેના સ્‍તરના RTO અધિકારીઓ કે અરજદારોને સાચી હકીકત જણાવવામાં આવતી નથી.

શો-રૂમ પર ગ્રાહકોનો કકળાટ : નવા વાહનોના રજિસ્‍ટ્રેશન ન થવાને કારણે ઓટોમોબાઈલ સેક્‍ટર પર પણ તેની માઠી અસર પડી છે. વાહન ડીલરોના શો-રૂમ પર ગ્રાહકોએ હોબાળો મચાવ્‍યો હતો. ડીલરોનું કહેવું છે કે પોર્ટલ ન ચાલવાને કારણે તેઓ ગ્રાહકોને વાહનની ડિલિવરી આપી શકતા નથી. બીજી તરફ, તંત્ર દ્વારા આ ગંભીર સમસ્‍યા અંગે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની એડવાઈઝરી જાહેર ન કરાતા અરજદારોનો રોષ સાતમા આસમાને પહોંચ્‍યો છે.

(10:19 AM IST)