<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

વડતાલધામનો અનોખો નિર્ણય:દિવાળી બોનસમાં કર્મચારીઓને રોકડના બદલે સોલાર પેનલની સુવિધા આપશે

સંસ્થા પેનલની જરૂરી રકમ અને ઇન્સ્ટોલેશનની કામગીરી કરશે:કર્મચારીઓના પરિવારોને વીજળી બિલમાં રાહત મળશે અને સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળશે

વડતાલધામ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓને બોનસ તરીકે રોકડ રકમ અથવા ભેટ આપવામાં આવતી હોય છે, પરંતુ વડતાલ સંસ્થાએ આ પરંપરાથી અલગ નિર્ણય લીધો છે. આ વર્ષે સંસ્થામાં કાર્યરત કર્મયોગીઓને દિવાળી બોનસના ભાગરૂપે તેમના ઘરે સોલાર પેનલની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલથી કર્મચારીઓના પરિવારોને લાંબા ગાળે વીજળીના બિલમાં આર્થિક રાહત મળશે અને સૌર ઊર્જાના ઉપયોગને પણ પ્રોત્સાહન મળશે.

 

વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસ સ્વામીએ આ નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળી બોનસ અંગે ટ્રસ્ટીબોર્ડમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ દરમિયાન પર્યાવરણની સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી છે તે બાબતને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને સોલાર ઊર્જાની સુવિધા આપવાનો વિચાર કરવામાં આવ્યો હતો. પરિણામે કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે સોલાર પેનલ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડો. સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જી તથા સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સોલાર પેનલ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પણ આપવામાં આવે છે, તેમ છતાં હજુ ઘણા પરિવારો આ યોજનાનો લાભ લેતા નથી. આવી સ્થિતિમાં સામૂહિક જાગૃતિને રાષ્ટ્રીય કર્તવ્ય સમજીને સંસ્થાએ કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે.

 

સંસ્થા દ્વારા કર્મચારીઓના ઘરો પર સોલાર પેનલ લગાવવા માટે જરૂરી રકમ ભરવાથી લઈને ઇન્સ્ટોલેશન સુધીની તમામ કામગીરી કરવામાં આવશે. વડતાલ સંસ્થાના ટ્રસ્ટી તેજસભાઈ બિપિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ રીતે દરેક કર્મચારીના ઘરને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

 

આ પહેલથી કર્મચારીઓના પરિવારોને વીજળીના બિલ પાછળ થતો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. સોલાર ઊર્જાના ઉપયોગથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા પણ ઘટશે. સાથે જ સ્વચ્છ ઊર્જાના વપરાશમાં વધારો થવાથી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાશે. આ રીતે દિવાળી બોનસની ભેટ કર્મચારીઓ માટે લાંબા ગાળાની ઉપયોગી સુવિધા બની રહેશે.

 

વડતાલ સંસ્થાના આ નિર્ણયને લઈને વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી તેમજ વરિષ્ઠ સદ્ગુરુ સંતોએ રાજીપો વ્યક્ત કર્યો છે. બીજી તરફ, દિવાળી બોનસમાં સોલાર પેનલની સુવિધા મળવાના નિર્ણયથી સંસ્થાના કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડતાલધામની આ પહેલ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સામાજિક જવાબદારી, કર્મચારી કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જોડવાનો અનોખો પ્રયાસ બની રહી છે.

 

(8:49 PM IST)